ગાંધીનગર,ગુરૂવાર
વિધાનસભામાંથી આઉટ થઈ ગયેલા ભાજપના બે નેતાઓ ક્રિકેટના પીચ ઉપર જાેવા મળ્યા ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું. શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર ભાજપના નેતાઓ છે અને બંને અગાઉ પોતાની વિધાનસભાની ચૂંટણી હારી ચૂક્યા છે. હવે આ બંને નેતાઓ ૨૦૨૨ ઉપર નજર રાખીને બેઠા છે અને ટિકીટ મળે તો પોતાની તાકાત બતાવી દેવાના મૂડમાં છે. શંકર ચૌધરી ભાજપના કદાવર નેતા ગણાય છે અને ઉત્તર ગુજરાતમાં તેમનું મોટું નામ છે અને બનાસ ડેરીના ચેરમેન પણ છે. તેઓ વાવ બેઠક ઉપરથી હારી ગયા હતા અને હવે ફરીથી તેમણે તક મળે છે કે કેમ તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને રાધનપુરથી ચૂંટણી લડ્યા હતા પણ કારમો પરાજય થયો હતો. આ બંને ભાજપના નેતાઓ ક્રિકેટની પીચ ઉપર આમને-સામને જાેવા મળ્યા હતા અને શંકર ચૌધરીએ બોલિંગ કરી હતી અને તેમાં અલ્પેશ ઠાકોરે હૂક શોટ લગાવીને સિક્સર ફટકારી હતી અને તેણે લોકો જાેતા જ રહી ગયા હતા. આ તો ક્રિકેટનું ગ્રાઉન્ડ હતું અને તેમાં અલ્પેશ ઠાકોરે સિક્સર ફટકારી પણ રાજકીય મેદાનમાં કોણ સિક્સર ફટકારશે તે જાેવું રસપ્રદ બની રહેશે.
બનાસકાંઠાના ભાભરના અલાળા ગામે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરને આમંત્રણ અપાયું હતું. બંનેએ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો અને જેમાં શંકર ચૌધરીએ હાથમાં બોલ લીધો હતો અને શંકર ચૌધરીએ બેટ પકડ્યું હતું. શંકર ચૌધરીએ બોલિંગ કરી અને અલ્પેશ ઠાકોરે હૂક શોટ લગાવીને સિક્સર ફટકારી હતી જેને લોકોએ ચીચીયારીઓ કરીને વધાવી લીધી હતી. આ બંને ભાજપના નેતાઓ વિધાનસભામાંથી આઉટ થયેલા છે અને હાલ પોતાની શક્તિનું પ્રદર્શન કરવાની એક પણ તક ચૂકતા નથી. શંકર ચૌધરી અગાઉ રાજ્ય સરકારમાં મંત્રીપદે રહી ચૂકેલા છે અને ચૌધરી સમાજમાં તેમનું મોખરાનું સ્થાન છે. વાવ બેઠક ઉપરથી તેમનો પરાજય થયો હતો અને હાલ તેઓ બનાસ ડેરીમાં ચેરમેન તરીકે પણ સેવા આપી રહ્યા છે. શંકર ચૌધરી ૨૦૨૨ની રાજકીય પીચ ઉપર ફટકાબાજી કરવાની તૈયારીઓ કરી રહ્યા છે અને જેના ભાગરૂપે તેઓ દિલ્હી દરબારમાં પણ નિયમિત હાજરી પૂરાવી રહ્યા છે. વડા પ્રધાન મોદી અને અમિત શાહના તેઓ પ્રીતિપાત્ર બની ચૂક્યા છે અને જેના ભાગરૂપે તેઓ અગાઉ વડા પ્રધાનને બનાસકાંઠાનું મધ પણ આપી આવ્યા છે અને વડા પ્રધાનના મત વિસ્તાર વારાણસીમાં બનાસ ડેરીના પ્લાન્ટનું ખાતમૂર્હૂત પણ કરી આવ્યા છે. શંકર ચૌધરીને દિલ્હી દરબાર વિધાનસભામાં ચૂંટણી લડાવી શકે છે તેવી પ્રબળ શક્યતાઓ જાેવાઈ રહી છે. બીજી તરફ અલ્પેશ ઠાકોર પણ સમયાંતરે પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે.
તાજેતરમાં જ નવા વર્ષના પ્રારંભે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને ભાજપના મોવડીમંડળને સંકેત આપી દીધો હતો કે, તે એકલો નથી. અગાઉ સોશિયલ મીડિયા મારફતે પણ અલ્પેશ ઠાકોરે ભાજપ હાઈકમાન્ડને અને વિરોધીઓને સાનમાં ઘણું બધું સમજાવી દીધું હતું કે, હું એકલો નથી, હું પડ્યો છું પણ ઉભો થઈશ. અલ્પેશ ઠાકોર ઉપર પક્ષપલ્ટુનું લેબલ લાગ્યું છે અને મોટા ઉપાડે ભાજપમાં આવ્યા બાદ રાધનપુરથી ચૂંટાઈને મંત્રી બનવાના અભરખા હતા પણ જનતાએ જાકારો આપ્યો હતો અને હાલ અલ્પેશ ઠાકોર હોંસિયામાં ધકેલાયેલો છે ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે ત્યારે સક્રિય થઈ રહ્યો છે. આ બંને નેતાઓ ભલે એક જ પાર્ટીમાં હોય પણ બંને પોતાની રાજકીય તાકાતનો પરચો બતાવી રહ્યા છે. ૨૦૨૨ના ચૂંટણી જંગમાં અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટિકીટ મળશે કે કેમ તેના ઉપર અનેક સવાલો ઉભા છે ત્યારે શંકર ચૌધરીએ પોતાની રાજકીય પીચ બનાવી દીધી છે અને હવે દિલ્હી દરબારમાંથી બોલ ફેંકાય તેની રાહ જાેઈ રહ્યા છે.

