નવીદિલ્હી, ગુરુવાર
રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કોંગ્રેસ વચ્ચેના ‘વિકલ્પો’ની લડાઈમાં ઉતર્યા છે. કોંગ્રેસ નેતૃત્વ પર સીધો પ્રહાર કરતા પ્રશાંત કિશોરે કહ્યું છે કે કોંગ્રેસ છેલ્લા 10 વર્ષમાં 90% ચૂંટણી હારી છે. આવી સ્થિતિમાં વિપક્ષનું નેતૃત્વ કોંગ્રેસનો દિવ્ય અધિકાર ન હોઈ શકે.
પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસ મજબૂત વિપક્ષ માટે જે વિચાર અને વિગત રજૂ કરે છે તે મહત્વપૂર્ણ છે. પરંતુ વિપક્ષનું નેતૃત્વ એ કોંગ્રેસનો દૈવી અધિકાર નથી જ્યારે પાર્ટી છેલ્લા 10 વર્ષમાં તેની 90% ચૂંટણીઓ હારે છે. વિરોધ પક્ષના નેતૃત્વને લોકશાહી ઢબે નિર્ણય લેવા દો.
મમતા VS કોંગ્રેસની લડાઈ
મમતા બેનર્જીએ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તે વિવિધ રાજ્યોમાં પાર્ટીઓના નેતાઓને ભાજપનો વિકલ્પ બનવા માટે અપીલ કરી રહી છે. મમતાએ બુધવારે મુંબઈમાં કહ્યું હતું કે જો પક્ષો લડવા માટે તૈયાર હોય તો જ ભાજપ સામે રાષ્ટ્રીય વિકલ્પ બનાવી શકાય છે. પસંદગી મજબૂત હોવી જોઈએ. આ એકલા હાથે ન કરી શકાય.
મમતાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
કોંગ્રેસનું નામ લીધા વગર મમતાએ કહ્યું કે કોઈ લડી શકતું નથી, તો આપણે શું કરીએ. અમે ઈચ્છીએ છીએ કે તમામ પક્ષો લડે. મમતાએ એમ પણ કહ્યું હતું કે હવે યુપીએ (યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ) નથી અને તેથી પ્રશ્ન એ ઊભો થતો નથી કે યુપીએનો નેતા કોણ હશે? તમને જણાવી દઈએ કે હવે યુપીએના નેતા સોનિયા ગાંધી છે.
કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર
યુપીએ અંગેના નિવેદન બાદ કોંગ્રેસ મમતા બેનર્જી પર આક્રમક બની હતી. કોંગ્રેસના નેતાઓ અધીર રંજન ચૌધરી, દિગ્વિજય સિંહ, કપિલ સિબ્બલ, મલ્લિકાર્જુન ખડગેએ મમતા બેનર્જી અને ટીએમસી પર નિશાન સાધ્યું. અધીર રંજન ચૌધરીએ પણ મમતા પર ભાજપ સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો હતો. ચૌધરીએ કહ્યું, પીએમ મોદીની સલાહ પર મમતા કોંગ્રેસને તોડવાનું ષડયંત્ર કરી રહી છે.

