ગાંધીનગર,બુધવાર
ગુજરાતનો ખેડૂત સમૃદ્વ છે અને તે દેવાદાર નથી તેવા નિવેદનો અગાઉ અનેકવાર આપણે સાંભળી ચૂક્યા છીએ. જાે કે, કડવું સત્ય એ છે કે, આજે પણ રાજ્યના 42 ટકા ખેડૂત પરિવારો દેવામાં ડૂબેલા છે. રાજ્ય સરકાર ભલે આંકડાની માયાજાળ રચતી હોય પણ ખેડૂતો માટે ખેતીનો વ્યવસાય જુગાર જેવો થઈ ચૂક્યો છે અને તેમાં કમાવવાનું કંઈ નહી અને ગુમાવવાનું ખૂબ થઈ ચૂક્યું છે. ક્યારેક કુદરત રૂઠે છે તો ક્યારેક સરકાર રૂઠે છે અને સરવાળે મરો તો ખેડૂતોનો થઈ રહ્યો છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે આજે ગુજરાતનો ખેડૂત બિચારો ગરીબ ગાય જેવો છે અને અન્ય 9 રાજ્યોની ખેડૂતોની માસિક સરેરાશ આવક સામે તેની આવક નહીવત છે. ખેડૂતની માસિક આવક સરેરાશ રૂા.12,331 છે તેની સામે પશુપાલન ખર્ચ માસિક સરેરાશ રૂા.4,611 થવા જાય છે. અન્ય 9 રાજ્યોમાં સૌથી વધારે મેઘાલયના ખેડૂતોની માસિક સરેરાશ આવક રૂા. 29,348 છે જ્યારે માસિક ખર્ચ રૂા.2,614 છે.
ગુજરાત મોડલ અને ગતિશીલ ગુજરાતના પિપૂડા વગાડવામાં કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી. સ્વપ્રસિદ્વિમાં રાચતા નેતાઓ ઘરના જ ભૂવા અને ઘરના ડાકલા વગાડી રહ્યા છે અને ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે તેમ કહીને અંધારામાં તીર મારી રહ્યા છે. ગુજરાતન ખેડૂતો સમૃદ્વ છે અને તેઓને દેવા માફીની કોઈ જરૂર નથી તેવા નિવેદનો ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. ખેડૂતોની હાલત શું છે એ ખેડૂતથી વધારે બીજું કોઈ જાણી શક્તું નથી. તાજેતરમાં રાજ્યસભામા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમા સરકારે આંકડા રજૂ કર્યા હતા અને તેમાં ખેડૂતોની માસિક આવક કેટલી છે અને માસિક ખર્ચ કેટલો છે તેની વિગતો આપવામાં આવી હતી. જેમાં ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી છે અને બિચારો ગરીબ ગાય જેવો ખેડૂત માસિક રૂા.12,631ની રકમ રળી રહ્યો છે જેની સામે પશુપાલનનો ખર્ચ સરેરાશ માસિક રૂા.4,611 થવા જાય છે. આમ ખર્ચો કાઢતાં તેના હાથમાં માત્ર આઠ હજાર જેટલી સાધારણ રકમ આવે છે. દિવસ-રાત ખેતી કામ કરીને જીવન નિર્વાહ કરનારા અનેક ખેડૂત પરિવારોની હાલત દયાજનક બની રહી છે. સેંકડો ખેડૂતો ખેતીના વ્યવસાયને તિલાંજલી આપી રહ્યા છે કેમ કે, તેમાં કમાવવાનું કંઈ નથી અને ગુમાવવાનું વધારે હોય છે. ગુજરાતમાં ખેડૂતોની હાલત દયાનજક બની રહી છે અને ક્યારેક કુદરત રૂઠે છે તો ક્યારેક પોષણક્ષમ ભાવ મળતા નથી જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. નેતાઓ બોલીને છટકી જાય છે પણ ખેડૂતોના ઉપર શું ગુજરી રહી છે એ ખેડૂત પરિવારથી વધારે કોઈ જાણી શક્તું નથી.

