બોટાદ,મંગળવાર
શ્રીકષ્ટભંજનદેવના સાનિધ્યમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બનશે.સાત વીઘા જમીનમાં બનતા આ ભોજનાલયમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકશે. આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે. આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગૅસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ થશે.આ નવું ભોજનાલય અંદાજે 35થી 40 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. આગામી દિવાળી પર્વ પહેલાં આ ભોજનાલય શરૂ કરવાની યોજના છે ”
”આ ભોજનાલય 7 વીઘામાં ફેલાયેલું છે. ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેરફૂટનું થશે અને ભોજનાલય કુલ 250 કોલમ પર ઊભું હશે. ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાંથી સીધા જ ભોજનાલયમાં જઈ શકાશે. આ ભોજનાલયમાં શ્રદ્ધાળુઓની વધુ ભીડ ના થાય એટલે 75 ફૂટ પહોળા પગથિયાં બનાવવામાં આવશે. પગથિયાંઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા હશે. હાઈટેક કિચનમાં અગ્નિ કે ઈલેક્ટ્રિસિટીનો ડાયરેક્ટ ઉપયોગ થતો નથી.

ઓઇલ બેઝ્ડ રસોઈ તૈયાર કરવા માટે કિચનની બહાર એક ઓઇલ ટેન્ક હોય છે, જેની અંદર ભરેલું ઓઇલ ખાસ પ્રકિયા દ્વારા નક્કી કરેલા ટેમ્પરેચર સુધી ગરમ થાય છે. આ પછી એ ઓઇલ કિચનમાં આવે છે, જે ડબલ લેયરના ફિક્સ વાસણોની વચ્ચે અંદરની સાઇડ ફરતું રહે છે. એને લીધે વાસણની ઉપરની સપાટી ગરમ થાય છે, જેમાં કોઈ અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ સરળતાથી તૈયાર કરી શકાય છે. ભોજનાલયનું કિચન 60X100 ફૂટમાં બનાવવામાં આવશે. કિચન અને ડાઇનિંગ હોલ વચ્ચે 15 ફૂટની જગ્યા રાખવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કિચનમાં કોઈ અકસ્માત થાય તો તેની અસર ડાઇનિંગ હોલમાં થાય નહીં.”

