ગાંધીનગર,મંગળવાર
અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે સરકારે મોટો નિર્ણય લીધો છે. વધુ 9 જિલ્લાઓમાં પાક નુકસાન મુદ્દે સહાય કરવા સરકારે મન બનાવ્યુ છે. આજે મળેલી બેઠક બાદ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે સરકારે બાકી રહેલા જિલ્લાઓ માટે 531 કરોડનું ખેડૂત સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેકટર દીઠ 6800 રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે.અડધા હેકટર માટે 4000 સહાય આપવામાં આવશે જ્યારે મહત્તમ બે હેકટર માટે સહાયનું ચૂકવાનું કરવામાં આવશે.આ માટે 6 ડિસેમ્બરથી આઈ પોર્ટલ પર અરજી લેવાશે જે 24 ડિસેમ્બર સુધી અરજી સ્વીકારવામાં આવશે. પછી ખરાઈ કરી ખેડૂતોને મળવા પાત્ર સહાય સીધી બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવશે.
જીતુ વાઘાણીએ જણાવ્યું કે, 9 જિલ્લા માટે 531 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તમામને SDRFના નિયમ પ્રમાણે સહાય અપાશે. સહાય મેળવવા માટે 6થી 24 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. ઓનલાઈન અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે.બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. બનાસકાંઠા, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ, અમરેલી, ભરૂચ, વડોદરાના ખેડૂતોને સરકાર સહાય આપશે. 1530 ગામના ખેડૂતોને સીધો લાભ મળશે. જ્યારે કુલ 7.65 લાખ હેક્ટર જમીન માટે આ સહાયની ફાળવણી કરવા આવી હોવાની માહિતી પણ વાઘાણીએ આપી હતી.

