ગાંધીનગર,સોમવાર
આગામી જાન્યુઆરી-૨૦૨૨ના બીજા સપ્તાહમાં ૧૦મી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ યોજાનાર છે અને તેના માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી દિલ્હીમાં રોડ-શો કરી આવ્યા છે અને રોકાણકારો સાથે લાંબી મિટિંગો પણ કરી આવ્યા છે. ૧૦મી વાઈબ્રન્ટ સમિટમાં પહેલીવાર ગુજરાતી ભાષામાં સંબોધન સાંભળવા મળે તો નવાઈ પામશો નહી કેમ કે, ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા ત્યારે સ્પષ્ટપણે કહ્યું હતું કે, હું ગુજરાતીમાં જ બોલીશ. મુખ્યમંત્રી માતૃભાષાને પ્રાધાન્ય આપી રહ્યા છે અને હવે ગુજરાતી ભાષા વાઈબ્રન્ટ સમિટમાં પણ સાંભળવા મળી શકે છે.
કોરોના વાયરસના નવા વેરિયન્ટના ઓછાયા વચ્ચે આગામી જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જાે કે, જે રીતે વિશ્વના દેશોમાં નવા કોરોના વેરિયન્ટ સામે આવી રહ્યા છે તે જાેતાં વાઈબ્રન્ટ સમિટ યોજાશે કે કેમ તેને લઈ મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. જાે કે, રાજ્ય સરકારે પૂરજાેશમાં તૈયારીઓ આરંભી દીધી છે અને જેના ભાગરૂપે તાજેતરમાં જ મુખ્યમંત્રી દિલ્હીમાં ગયા હતા અને ત્યાં રોડ શો કર્યો હતો અને રોકાણકારો સાથે લાંબી મીટિંગો કરી હતી. મુખ્યમંત્રીએ જ્યારે શપથ લીધા ત્યારથી ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપી રહ્યા છે અને તેઓ અગાઉ કહી ચૂક્યા છે કે, પોતે હંમેશા ગુજરાતી ભાષામાં જ બોલશે. વાઈબ્રન્ટ સમિટમાં વિશ્વના રોકાણકારો ગુજરાતમાં આવશે અને આ સમિટમાં તેમણે પણ ગુજરાતી ભાષા સાંભળવા મળી શકે છે. ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી અલગ ચીલો પાડી રહ્યા છે અને એક રીતે તેઓ માતૃભાષાને મહત્વ આપી રહ્યા છે. આજે સાવર્ત્રિક અંગ્રેજીકરણની બોલબાલા છે ત્યારે મુખ્યમંત્રી ગુજરાતી ભાષાનો વધારેમાં વધારે વ્યાપ થાય તે માટે ગુજરાતીને મહત્વ આપી રહ્યા છે. વાઈબ્રન્ટ સમિટમાં મુખ્યમંત્રી આવનારા મહેમાનોનું ગુજરાતી ભાષામાં સ્વાગત કરે તો નવાઈ જેવું લાગશે નહી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિભાગ હિન્દીમાં વ્યવહાર કરે છે
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ પોતાના વિભાગમાં તમામ સંદેશા વ્યવહાર રાષ્ટ્રભાષા હિન્દીમાં કરી રહ્યા છે. પોતાના તાબાના તમામ વિભાગોમાં આજે હિન્દી બોલાઈ રહી છે અને સાથે-સાથે પત્ર વ્યવહાર પણ હિન્દીમાં થઈ રહ્યો છે. માતૃભાષા હિન્દીનો વ્યાપ વધે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

