નવી દિલ્હી, સોમવાર
સંસદના શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ છે. આજે જ સરકાર કૃષિ કાયદાઓની વાપસીનું બિલ રજૂ કરશે. લોકસભામાં પારીત થયા બાદ તેને રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવશે. જો કે વિપક્ષ કૃષિ કાયદાઓ પર ચર્ચાની માગણી પર અડગ છે. કાર્યવાહી શરૂ થતા જ ખેડૂતોના મુદ્દા પર વિપક્ષે હંગામો શરૂ કર્યો હતો. તેના પછી લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહીને 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. કોંગ્રેસ સહીતના ઘણાં વિપક્ષી દળોએ સ્થગન પ્રસ્તાવ આપ્યો છે.
કોંગ્રેસે એમએસપીની ગેરેન્ટી પર કાયદો બનાવવા અને આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતરની માગણી કરી છે. કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર પણ ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. રાજ્યસભામાં ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સીપીએમ દ્વારા સ્થગન પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાની સાથે વિપક્ષે હંગામો કર્યો અને તેના પછી કાર્યવાહીને એક કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી.
આ પહેલા સંસદના સત્રના શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે સંસદનું આ સત્ર અત્યંત મહત્વપૂર્ણ છે. દેશની આઝાદીનો અમૃત મહોત્સવ મનાવાય રહ્યો છે. હિંદુસ્તાનમાં ચારેય દિશાઓમાંથી આ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રચનાત્મક, સકારાત્મક, જાહેરહિત માટે, રાષ્ટ્રહિત માટે, સામાન્ય નાગરિક, અનેક કાર્યક્રમો કરી રહ્યા છે, પગલા ઉઠાવી રહ્યા છે અને આઝાદીના દીવાનાઓએ જે સપના દેખાડયા હતા,તે સપનાઓને પૂર્ણ કરવા માટે સામાન્ય નાગરિક પણ આ દેશનું કોઈને કોઈ દાયિત્વ નિભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમાચારો સ્વયં ભારતના ભવિષ્ય માટે શુભ સંકેત છે.
તેમણે કહ્યુ છે કે તાજેતરમાં બંધારણ દિવસ પણ નવા સંકલ્પ સાથે બંધારણના સ્પિરિટને ચરિતાર્થ કરવા માટે દાયિત્વ સંદર્ભે આખા દેશે એક સંકલ્પ કર્યો છે. આ બધાના પરિપ્રેક્ષ્યમાં અમે ઈચ્છીશું અને દેશ પણ ચાહે છે કે ભારતની સંસદનું આ સત્ર વધુ આગળ આવનારા સત્ર આઝાદીના દીવાનાઓ જે ભાવનાઓ હતી, આઝાદીના અમૃત મહોત્સવનો જે સ્પિરીટ છે, તેને અનુકૂળ સંસદ પણ દેશમાં ચર્ચાઓ કરે, દેશની પ્રગતિ માટે માર્ગ શોધે અને તેના માટે આ સત્ર ઘણું જ વિચારોની સમૃદ્ધિવાળુ, દૂરગામી પ્રભાવ પેદા કરનારું સકારાત્મક નિર્ણય લેનારું બને. હું આશા કરું છું કે ભવિષ્યમાં સંસદને કેવી રીતે ચલાવવામાં આ, કેટલું સારું યોગદાન કરે, આ ત્રાજવાં પર તોળવામાં આવે, ન કે કોણે કેટલું જોર લગાવીને સંસદનું સત્ર રોકી દીધું. આ માપદંડ હોઈ શકે નહીં. માપદંડ એ હશે કે સંસદમાં કેટલું સકારાત્મક કામ થયું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે સરકાર દરેક વિષય પર ખુલી ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકાર દરેક સવાલનો જવાબ આપવા માટે તૈયાર છે અને આઝાદીના અમૃત મહોત્સવમાં અમે એ પણ ઈચ્છીશું કે સંસદમાં સવાલ પણ થાય, શાંતિ પણ હોય. અમે ઈચ્છીશું કે સંસદમાં સરકારની વિરુદ્ધ, નીતિઓની વિરુદ્ધ જેટલો અવાજ પ્રખર હોવો જોઈએ થાય, પરંતુ સંસદની ગરિમા, સ્પીકરની ગરિમા, આ તમામ વિષયોમાં આપણે તે આચરણ કરીએ જે આગામી દિવસોમાં યુવા પેઢીઓને કામમાં આવે.
પીએમ મોદીએ કહ્યુ છે કે ગત સત્ર બાદ કોરોનાની એક વિકટ પરિસ્થિતિમાં પણ દેશમાં 100 કરોડથી વધારે ડોઝ અપાયા. હવે આપણે 150 કરોડની તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. હું સંસદના તમામ સાથીઓને પણ સતર્ક રહેવા માટે વિનંતી કરું છું, કારણ કે તમારા બધાંનું સારું સ્વાસ્થ્ય આવી સંકટની ઘડીમાં આપણી પ્રાથમિકતા છે. દેશના 80 કરોડથી વધારે નાગરિકોમાં આ કોરોનાકાળના સંકટમાં વધુ મુશ્કેલી થાય નહીં, તેના માટે ગરીબ કલ્યાણ યોજનાથી અનાજ મફત આપવાની યોજના ચાલી રહી છે. હવે તેને માર્ચ-2022 સુધી લંબાવી દેવામાં આવી છે. લગભગ દોઢ લાખ 60 હજાર કરોડના ખર્ચે 80 કરોડ ગરીબોની ચિંતા કરવામાં આવી છે. હું આશા કરું છું કે આ સત્રમાં દેશહિતના નિર્ણય આપણે ઝડપથી કરીએ, સાથે મળીને કરીએ, સામાન્ય માનવીય આશા અપેક્ષાને પૂર્ણ કરવાના નિર્ણય કરીએ સંસદનું આ સત્ર આજથી 23 ડિસેમ્બર સુધી ચાલવાનું છે. એક માસ દરમિયાન ચાલનારા આ શિયાળુ સત્રમાં સરકાર 26 બિલ રજૂ કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ટ્વિટ કરીને તમામ પક્ષોને સંસદની કાર્યવાહી સુચારુંપણે ચાલે તેના માટે સહયોગ આપવાની અપીલ કરી છે.

