દ્વારકા, સોમવાર
કોરોનાકાળની ભયંકર પરિસ્થિતિ, કોરોનાનો ડર અને સરકારી ગાઈડ લાઇનના કારણે ઘણા સ્વજનને ઘરનું ઉંબર પણ નસીબ નથી થયું, અંતિમવિધિથી અંતિમક્રિયા પણ રીત રિવાજ મુજબ નથી થઈ શકી. બધા એટલા સક્ષમ પણ ન હોય મૃતક સ્વજનની પાછળ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ કરી શકે એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ સેવાભાવી સંસ્થાઓના સાથ સહકારથી સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોનાકાળમાં મૃત્યુ પામેલા કોઈપણ વ્યક્તિના સ્વજન આ સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહના યજમાન બની શકે છે. મૃતકના સ્વજન માત્ર 101 રૂપિયા અર્પણ કરી એક ફોર્મ ભરી પોતાના મૃતક સ્વજન પાછળ એક પોથી લખાવીને આ ભાગવત સપ્તાહના યજમાન બની શકે છે.
શ્રી સનાતન સેવા આશ્રમ દ્વારકા ખાતે 3 જાન્યુઆરી 2022 થી 9 જાન્યુઆરી 2022 સુધી બપોરે 3 વાગ્યાથી સાંજ ના 7 વાગ્યા સુધી આ ભાગવત સપ્તાહ ભાગવતાચાર્ય મગનભાઈ રાજ્યગુરુ (બાપજી)ના વ્યાસાસને યોજાશે. સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પોથી લખાવવા માટે પાલભાઈ આંબલિયા (9924252499) અથવા વિજયભાઈ રાજ્યગુરુ (9974555555)નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

