ચંદીગઢ, સોમવાર
પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ રવિવારે કહ્યુ હતુ કે તેઓ સંસ્કૃત શીખશે અને મહાભારત પર પીએચડી પણ કરશે. તેમણે તાજેતરમાં હિંદુ ધર્મગ્રંથો રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા પર એક રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવાની ઘોષણા પણ કરી છે.
ભગવાના પરશુરામની તપોભૂમિની આધારશિલા મૂકવાના પ્રસંગે એક જાહેરસભાને સંબોધિત કરતા તેમણે શિરોમણિ અકાલીદળના સંરક્ષક પ્રકાશસિંહ બાદલની સરખામણી મહાભારતના ધૃતરાષ્ટ્ર સાથે કરી હતી. ચન્નીએ કહ્યુ કે તેમના પુત્રના મોહે તેમની પાર્ટીને બરબાદ કરી નાખી છે. મુખ્યમંત્રીએ કહ્યુ છે કે અનુસંધાન કેન્દ્ર ત્રણ હિંદુ ગ્રંથોના સંદેશને પ્રદર્શિત કરશે.
ચરણજીતસિંહ ચન્નીએ કહ્યુ છે કે યુગોથી આ ગ્રંથો આખી માનવતા માટે પ્રેરણાના સ્ત્રોત રહ્યા છે અને રિસર્ચ સેન્ટર તેના સંદેશાઓને સરળતમ રીતે જનતા સુધી પહોંચાડવા માટે ઉત્પ્રેર્કનું કામ કરશે. ચન્નીએ કહ્યુ છે કે તેમની સરકાર આ મહત્વકાંક્ષી પરિયોજના માટે એક સમ્માનિત શંકરાચાર્યને સામેલ કરવાની કોશિશ કરી રહી છે. બ્રાહ્મણ સમુદાય સાથે ભાવનાત્મક જોડાણની વાત કરતા તેમણે કહ્યુ હતુ કે તેમની સાથે તેમના મજબૂત સંબંધ છે. ચન્નીએ કહ્યુ છે કે તેઓ સંસ્કૃત ભાષા શીખશે અને પછી મહાભારત પર પીએચડી કરશે. ચન્નીએ કહ્યુ છે કે મને પોતાના જીવનને સાર્થક અને ધર્મી બનાવવા માટે દરરોજ ભગવદ ગીતાનો એક શ્લોક શીખવા માટે એક ઘણાં બુદ્ધિમાન અને વિદ્વાન વ્યક્તિએ કહ્યુ હતુ. ગીતા ઉપદેશ અદ્વિતિય છે. મારી હાલની પીએચડી ત્રણ માસમાં પૂર્ણ થઈ જશે. પછી હું સંસ્કૃત શીખવાનું શરૂ કરીશ અને મહાભારત પર પીએચડી કરીશ.
ચન્નીએ કહ્યુ હતુ કે રાજ્યમાં આવારા પશુઓની યોગ્ય દેખરેખ સુનિશ્ચિત કરવા માટે બ્રાહ્મણ કલ્યાણ બોર્ડને આ કામગીરી સોંપવામાં આવશે. તેમણે કહ્યુ છે કે આવારા પશુઓની યોગ્ય દેખરેખ માટે બોર્ડને ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યુ છે કે મુખ્ય સામાજીક સમસ્યાઓમાંથી એકનો ઉકેલ કરવો સમયની માંગ છે. મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ એમ પણ કહ્યુ છે કે તેમની સરકાર ભગવાન પરશુરામના તપોસ્થળને એક અત્યાધુનિક વાસ્તુશિલ્પ ચમત્કાર તરીકે વિકસિત કરશે.ચન્નીએ કહ્યુ છે કે 10 કરોડ રૂપિયાનો ચેક પહેલા જ જિલ્લા પ્રશાસનને આપી દેવામાં આવ્યો છે અને જ્યારે પણ જરૂરત પડશે ત્યારે વધારે ફંડ મોકલવામાં આવશે. તેમણે કહ્યુ છે કે ભગવાન પરશુરામના માતા રેણુકા સાથે સંબંધિત સ્થાનના વિકાસ પર 75 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
અકાલીઓ પર આકરા વાકપ્રહાર કરતા મહાભારતનું ઉદાહરણ ટાંકતા તેમણે કહ્યુ હતુ કે રાજા ધૃતરાષ્ટ્રના પુત્ર મોહને કારણે કૌરવો બરબાદ થયા. તેવી રીતે તેમણે કહ્યુ કે અકાલી નેતા પ્રકાશસિંહ બાદલના પોતાના પુત્રના પ્રેમને કારણે અકાલીઓની હાલત ખરાબ છે. ચન્નીએ કહ્યુ હતુ કે મહાભારત રાજ્ય કળા સાથે સંબંધિત ગ્રંથ છે અને આજે પણ પ્રાસંગિક છે. અકાલી દળની ખરાબ સ્થિતિને જોડવી તેનું એક ઉદાહરણ છે.

