ગાંધીનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ તુર્કી હેકર્સે હેક કરીને એમાં તુર્કી ભાષાનો સંદેશો મૂકી દીધો છે. આ ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. https://gandhinagarmunicipal.com વબેસાઈટ તુર્કીથી હેક થઈ ગઈ હતી. હવે જ્યારે જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે. વહીવટી તંત્ર આ ઈવેન્ટની તડામાર તૈયારીમાં લાગી ગયું છે. એવા સમયમાં ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ આ રીતે હેક થતા તંત્ર ચોંકી ગયું છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર ડૉ. ધવલ પટેલે કોર્પોરેશનની વેબસાઈટ હેક થઈ હોવાની વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે, આ બાબતે આઈટી ટીમ અત્યારે કાર્યવાહી કરી રહી છે અને વેબસાઇટ હેક કરવાના આ મામલે ટૂંક સમયમાં જ સાઇબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. રવિવારની રજાના દિવસે આ વેબસાઈટ હેક કરવામાં આવી હતી. ગાંધીનગર કોર્પોરેશનની વેબસાઈટ પરથી તમામ માહિતી અને ફોટાઓ પણ તુર્કી હેકર્સે હાઇડ કરી દીધા હતા. જેના કારણે મહાનગરપાલિકાની આઇટીમાં દોડધામ મચી ગઈ હતી. હેકર્સના આ કૃત્યનો તાગ મેળવવા માટે ગાંધીનગર કોર્પોરેશનની આઈટીમ રજાના દિવસે પણ કામે લાગી ગઈ હતી. આ સાથે તુર્કી હેકર્સે પોતાની તુર્કી ભાષામાં અસમંજસભર્યા વાક્યો સહિતનું લખાણ પણ મૂક્યું હતું. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાનારા વાઇબ્રન્ટ સમિટ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એવામાં આ ઘટના બનતા ફરી સાયબર સુરક્ષાનો મુદ્દો અને ડેટા સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ સરકાર તરફથી ડેટા સિક્યુરિટીની લઈ એક મોટું આયોજન કરવા એલાન કરાયું હતું. એવામાં સરકારી વેબસાઈટ ઉપર જ જોખમ પુરવાર થયું છે.

તુર્કી હેકર્સના આ કારસ્તાને તંત્રને ચોંકાવી દીધું છે. મહાનગરપાલિકાના કમિશનર ડૉ. ધવલ પટેલે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટતા કરી છે. વેબસાઈટ પર એવો મેસેજ મૂકવામાં આવ્યો હતો કે, અમારા મિત્ર બનો, દુશ્મન ન બનો. ‘જુલમ સાથે આબાદ છે તે સફળ થશે.’ ” જે લોકો આ વિશ્વને નરક બનાવે છે, એટલે અમે આ વિશ્વને સંકુચીત બનાવી શકીએ છીએ” AYYILDIZ TiM નામનું સાયબર આર્મી ગ્રૂપ તુર્કી દેશથી ચાલે છે. આ પહેલા પણ આ જ ગ્રૂપે દેશની ઘણી બધી વેબસાઈટ હેક કરી લીધી હતી. તુર્કી સાયબર આર્મી તરફથી વેબસાઈટ હેક થઈ હોય એવો આ પહેલો કેસ છે.

