RSS સુપ્રીમો મોહન ભાગવત તાજેતરમાં આપેલા એક સંબોધનમાં દેશ અંગેની મોટી વાત કહી છે. મોહન ભાગવતે કહ્યું કે, હિન્દુ અને ભારત અલગ ન હોઈ શકે. ભારતને ભારત તરીકે રાખવું હોય તો ભારતને હિન્દુ જ રાખવું પડશે. હિન્દુઓએ હિન્દુ તરીકે જ રહેવું પડશે. ભારતને અખંડ બનાવવો પડશે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી હતી. આ હિન્દુસ્તાન છે અને અહીં પરંપરાઓથી-વર્ષોથી હિન્દુ લોકો રહ્યા છે.
જે મુદ્દાઓને હિન્દુઓનો સ્પર્શ કહેવામાં આવે છે એ તમામ મુદ્દાઓનો વિકાસ આ ભૂમિ પર થયો છે. ભારતની તમામ વાત ભારતની ભૂમિ સાથે જોડાયેલી છે. આ કોઈ સંયોગ નથી. હિન્દુઓ વગર ભારત ન હોઈ શકે અને ભારત વગર હિન્દુઓ ન હોઈ શકે. ભારતનું ખંડન થયું તો પાકિસ્તાન બન્યું. કારણ કે આપણે એ ભાવ ભૂલી ગયા હતા કે, આપણે સૌ હિન્દુ છીએ. ત્યાંના મુસ્લિમો પણ ભૂલી ગયા. પોતાની જાતને હિન્દુ ગણાવનારાઓની પહેલા શક્તિ ઓછી થઈ, પછી સંખ્યા ઘટી ગઈ તેથી જ પાકિસ્તાન ભારત ન રહ્યું. આ પહેલા નોઈડામાં એક પુસ્તક વિમોચન પ્રસંગે મોહન ભાગવતે એવું કહ્યું હતું કે, વિભાજન એ કોઈ રાજકીય પ્રશ્ન નથી. આ એક અસ્તિવત્વનો પ્રશ્ન છે. ભારતના વિભાજનનો પ્રસ્તાવ જ એટલા માટે કરવામાં આવ્યો જેથી કોઈ લોહીની નદીઓ ન વહે. પણ થયું આનાથી વિપરીત. ત્યારથી લઈને અત્યાર સુધી હિંસા જ થઈ અને અનેક લોકોના લોહી વહી ગયા. ભારતના ભાગલા એ સમયની પરિસ્થિતિથી વધારે ઈસ્લામ અને બ્રિટિશ આક્રમણનું એક પરિણામ હતું.
ગુરૂ નાનકજીએ ઈસ્લામી આક્રમણને લઈને દરેકને પહેલા જ ચેતવણી આપી દીધી. ભારતના ભાગલા એ કોઈ નીવેડો ન હતો. આનાથી કોઈને ખુશી થાય એમ નથી. ભારતના ભાગલાને સમજતા પહેલા એ વીતી ગયેલા સમયને સમજવો પડે.

