કાર કે બાઈકમાં ગમતા નંબર માટે લાખો રૂપિયા ખર્ચનારો એક વર્ગ છે. પણ સરકારી પ્રક્રિયાથી બચવા માટે ખોટું કરનારા ભેજાબાજ ગમે ત્યારે ગમે તે વસ્તુઓનો ખોટા કામમાં ઉપયોગ કરી જાણે છે. પરિવહન વિભાગે કરેલી એક તપાસમાં કાર અને બાઈકની નંબર પ્લેટનો ઉપયોગ કરનારા 11 હજારથી વધારે ટ્રક તંત્રના રડારમાં અટવાયા છે. કાનપુર-હમીરપુર હાઈવે પર અલિયાપુરા ટોલ પ્લાઝા પરથી પસાર થતા 11 હજારથી વધારે ટ્રક પર ખોટી નંબર પ્લેટ હોવાનો પર્દાફાશ થયો છે.
ટોલ પ્લાઝાએ ઓવરલોડ ટ્રકનો જે ડેટા તંત્રને મોકલ્યો હતો એના આધારે ખાસ તપાસ કરવામાં આવી હતી. બુંદેલખંડથી મધ્યપ્રદેશ-ઉત્તર પ્રદેશ તરફ જતા ટ્રકમાં નક્કી કરેલા માપદંડ કરતા વધારે સામાન ભરી દેવામાં આવે છે. આ ટ્રક હાઈવે પર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે. જેમાં દોઢ ગણો વધારે ઓવરલોડ સામાન હોય છે. જેના કારણે સામાન્ય રસ્તાઓ જ નહીં પણ નેશનલ હાઈવે પણ તૂટી જાય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પરિવહન વિભાગને આ અંગે યોગ્ય પગલાં લઈ આ પ્રક્રિયા રોકવા માટે કહ્યું હતું. ઉત્તર પ્રદેશના કાનપુર સહિત પાંચ જિલ્લાના ટોલ પ્લાઝામાંથી નીકળતા ઓવરલોડ વાહનનો એક રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે. ત્યારે એનું ચલણ કટ થાય છે. આ ટોલ પ્લાઝા પર વેઈટ મશિન લાગેલા છે. ટ્રક ત્યાંથી પસાર થાય એટલે એનો નંબર, ટ્રકની ક્ષમતા અને કેટલા ટકા ઓવરલોડ છે એનો રેકોર્ડ નોટ થાય છે. ટોલ પ્લાઝાએ 59 દિવસમાં 61992 ઓવરલોડ ટ્રક ત્યાંથી પસાર થયાની જાણકારી પરિવહન વિભાગને આપી હતી.

આ યાદીના આધારે વિભાગે ચલણ આપવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસમાં ચલણનો આંકડો 1798 સુધી પહોંચી ગયો. ચલણ હાથમાં આવતા લોકો વિભાગીય કચેરીએ દોડવા લાગ્યા હતા. હવે જ્યારે ખરેખર જે વાહનનો નંબર આ રડારમાં હતો એ લોકોને આશ્ચર્ય થયું કે, એમની ગાડીના નંબર ઓવરલોડિંગમાં કેવી રીતે આવ્યા? એમની નંબર પ્લેટ પર લખેલા નંબરનો ઉપયોગ ઓવરલોડ સામાન લઈ જનારા ટ્રકવાળા કરી રહ્યા હતા. આ ઘટના સામે આવતા મોટો હોબાળો મચી ગયો હતો. RTO અધિકારીએ જણાવ્યું કે, જે ટ્રક આવા હતા. એની ખાસ યાદી તૈયાર કરીએ છીએ પછી એનું વેરિફિકેશન બાદ ચલણ આપવામાં આવે છે. ઉચ્ચ અધિકારી ડી.કે. ત્રિપાઠીએ જણાવ્યું કે, કેટલાક ટ્રાંસપોર્ટર પણ આ માયાજાળમાં અટવાયેલા છે. 11 હજારથી પણ વધારે ટ્રક ખોટી નંબર પ્લેટ પર દોડી રહ્યા છે. ટ્રકને ટ્રેક કરવામાં આવી રહ્યા છે ટૂંક સમયમાં મામલાનો ઉકેલ આવશે. ખોટું કરનારા પકડાશે. ગત વર્ષે આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો.