નવી દિલ્હી, શનિવાર
કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન – B.1.1.529ના પ્રારંભિક અહેવાલો બેહદ ચોંકાવનારા છે. ડબ્લ્યૂએચઓએ તેને વેરિએન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો છે. દક્ષિણ આફ્રિકાના ત્રણ પ્રાંતોમાં દરરજો મળનારા 90 ટકા કેસ આ વેરિએન્ટના છે. જે 15 દિવસ પહેલા માત્ર 1 ટકા હતા. વૈજ્ઞાનિકોને એ વાત સૌથી વધુ ડરાવી રહી છે, કારણ કે અત્યાર સુધીમાં સૌથી ઝડપથી ફેલાનારો વેરિએન્ટ ડેલ્ટા હતો. તેનાથી દુનિયામાં ત્રીજી લહેર આવી હતી.
હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને કારણે દુનિયા પર મહામારીની નવી લહેરનો ખતરો તોળાય રહ્યો છે, કારણ કે તે ડેલ્ટા વેરિએન્ટથી 7 ગણો વધારે ઝડપથી ફેલાય રહ્યો છે. તેની સાથે ઓમિક્રોન ઝડપથી મ્યૂટેટ પણ થઈ રહ્યો છે. પકડમાં આવતા પહેલા જ તેમા 32 મ્યુટેશન થઈ ચુક્યા છે. તેને જોતા યુરોપિયન યુનિયનના તમામ 27 દેશોએ 7 આફ્રિકનદેશોમાંથી આવનારી ફ્લાઈટો પર રોક લગાવી દીધી છે. બીજી તરફ ભારતમાં નવા વેરિએન્ટનો કોઈ કેસ મળ્યો નથી. તેમ છતાં સિંગાપુર, મોરિશસ સહીતના 12 દેશોમાંથી આવનારા પ્રવાસીઓની ચીવટપૂર્વકની તપાસ થશે.
ગુરુવારે દેશમાં 10549 નવા કોરોનાગ્રસ્તો મળ્યા, જે એક દિવસ પહેલાની સરખામણીએ 15.6 ટકાથી વધારે છે. 488ના મોત નીપજ્યા અને તેમા 384 કેરળમાં નોંધાયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 110133 છે, જે કુલ દર્દીઓના 0.32 ટકા છે અને 539 દિવસોમાં લઘુત્તમ છે. દેશમાં 49 દિવસમાં સતતત 20 હજારથી ઓછા નવા કેસ મળી રહ્યા છે. જો કે દુનિયામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. બેલ્જિયમમાં એક દિવસમાં 23350 કોરોનાના કેસ નોંધાયા છે, ઓક્ટોબર-2020 બાદ એક દિવસમાં સૌથી વધારે કેસ છે. સ્વિટ્ઝરલેન્માં એક દિવસમાં નવા 8585 કેસ નોંધાયા છે અને તે નવેમ્બર-2020 બાદ એક દિવસમાં સૌથી વધુ છે.
જર્મનીમાં એક દિવસમાં 73887 નવા કેસ મળ્યા છે અને તે એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. ઈટાલીમાં 1 મે બાદ એક દિવસમાં સૌથી વધુ 12448 કોરોનાના કેસ નોંધાયા છે. ફ્રાંસમાં એક દિવસમાં 32591 નવા કેસ સામે આવ્યા છે. આ ગત સપ્તાહથી 61 ટકા વધારે છે અને એપ્રિલ બાદ એક દિવસનો સૌથી મોટો વધારો છે. B.1.1.529 વેરિઅન્ટ 11 નવેમ્બરે બોત્સવાનામાં મળ્યો અને તેના પછી હોંગકોંગ, ઈઝરાયલ, બેલ્જિયમમાં પણ મળ્યો. આ વેરિએન્ટ ખૂબ ઝડપથી ફેલાય રહ્યો છે. યૂનિવર્સિટી કોલેજ લંડનના પ્રો. દીનાન પિલ્લાઈ પ્રમાણે, થોડાક જ સેમ્પલનું જીનોમ સિક્વેન્સિંગ થયું છે. માટે તેની અસલ રફ્તાર હજુપણ વધારે હોવાની શક્યતા છે.
આ વેરિએન્ટનો વાઈરસ માણસની કોશિકાઓમાં પ્રવેશ કરવા માટે સ્પાઈખ પ્રોટીનનો ઉપયોગ કરે છે. વેક્સિન શરીરને આ સ્પાઈકને ઓળખવામાં અને તેને બેઅસર કરવા માટે તૈયાર કરે છે. B.1.1.529 વેરિએન્ટના સ્પાઈક પ્રોટીનમાં 32 વેરિએન્ટ છે. તેનાથી વૈજ્ઞાનિકો ચિંતિત છે, કારણ કે મ્યુટેશન શરીરની ઈમ્યૂન સિસ્ટમથી બચીને આગામી લહેરનું કારણ બને છે. વૈજ્ઞાનિકોને વાઈરસનો સ્વભાવ સમજવામાં એક સપ્તાહ લાગે છે. વાઈરસ પ્રત્યે ઈમ્યુનિટીની પ્રતિક્રિયા પર સારા ડેટા આવવામાં ઘણાં સપ્તાહ લાગી શકે છે. હજી એ પુરાવા મળ્યા નથી કે B.1.1.529 તે રીતે ફેલાય છે, જેવી રીતે ડેલ્ટા ફેલાયો હતો. યોગ્ય સમય પર જરૂરી પગલા ભરીને અને વેક્સિનેશનથી તેને પણ મર્યાદીત કરી શકાય છે.