અમદાવાદ, શનિવાર
સાઉથ આફ્રિકામાંથી મળેલો કોરોનાના નવા વેરિઅન્ટને લઈને વિશ્વના 53 દેશોએ એલર્ટ જારી કર્યુ છે. તેવામાં 40 દિવસ પછી મળનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉપર જોખમ ઊભું થશે તો રાજ્ય સરકાર પાસે વર્ચ્યુઅલ સમિટનો વિકલ્પ પણ ખુલ્લો હોવાનું જાણવા મળ્યુ છે.
વિશ્વના અનેક દેશોમાં હાલમાં કોરોનાની ત્રીજી, ચોથી, પાંચમી વેવ ચાલી રહી છે. આ સ્થિતિમાં ભારતમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે રાજ્ય સરકારે પહેલાથી જ 10મી વાઈબ્રન્ટ સમિટ માટે અનેક દેશોના ડેલિગેટ્સને વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી જોડાવા વિનંતી કરી છે. તેવામાં વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ કોરોના વાઈરસને ઝડપથી ફેલાવતો નવો વેરિયન્ટ સાઉથ આફ્રિકામાંથી મળ્યાની પૃષ્ટી કરી છે. હાલ આ વેરિયન્ટને B.1.1.529 એવુ નામ અપાયું છે.
ગુજરાત સરકારમાં ત્રણ દિવસીય વાઈબ્રન્ટ સમિટના આયોજન માટે જેટ વિમાન ગતિએ તૈયારીઓ ચાલી છે. સેક્રેટરીઓની આગેવાનીમાં ડેલિગેશનો વિદેશ જઈ રહ્યા છે, રોડ- શો ચાલી રહ્યા ત્યારે ઉદ્યોગ વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે “રૂટિન પ્રેક્ટિસ મુજબ સાઉથ આફ્રિકા સહિતના આફ્રિકન દેશોને વાઈબ્રન્ટ સમિટમા સામેલ થવા પહેલાથી આમંત્રણ આપ્યુ છે. નવા વેરિઅન્ટને લઈને ભારત સરકાર તરફથી જે કોઈ દિશા- નિર્દેશ મળશે તેના આધારે નિર્ણય લેવાશે. હાલ કોઈ જ સૂચના નથી. વાઈબ્રન્ટ સમિટમાં આવનારા ડેલિગેટ્સ સહિતના સ્ટાફ માટે વેક્સિનેશન, કોવિડ-19ની ગાઈડલાઈન, એરપોર્ટ ઉપર ટેસ્ટિંગ સહિતના પ્રોટોકોલ અને તકેદારીનો ચુસ્ત અમલ થશે” મુખ્યમંત્રી કાર્યલાયના અધિકારીના કહેવા મુજબ ત્રીજી લહેરની આશંકાને કારણે સરકારે પ્રિ- સમિટના આયોજન થકી પાણી પહેલા પાળ બાંધી છે. સમિટના આયોજન માટે રિયલ અને વર્ચ્યુઅલ એમ બંને વિકલ્પ હોઈ શકે છે.