વોશિંગ્ટન, શનિવાર
ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝર અને બાયોએનટેકે કહ્યું છે કે તેઓ 100 દિવસની અંદર કોરાના વાઈરસના નવા વેરિએન્ટ ઓમીક્રોન વિરુદ્ધની નવી રસીને વિકસિત કરી લેશે. બંને કંપનીઓએ શુક્રવારે કહ્યું છે કે તેઓ એ વાતને લઈને આશ્વસ્ત નથી કે કોરોના વાઈરસના વેરિએન્ટ એમિક્રોનથી બચવામાં તેની રસી સક્ષમ છે અથવા નહીં, પરંતુ તે લગભગ 100 દિવસમાં વેરિએન્ટની વિરુદ્ધ નવી રસી વિકસિત કરી લેશે.
આ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એક નિવેદનમાં કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોના વાઈરસનો બી.1.1.529નો નવો સ્ટ્રેન ચિંતાજનક છે અને તેનું નામ ઓમીક્રોન ગ્રીક વર્ણમાળામાંથી રાખવામાં આવ્યું છે. નિવેદન પ્રમાણે, ફાઈઝર અને બાયોએનટેકે ક્હ્યું છે કે તેઓ આગામી બે સપ્તાહમાં ઓમીક્રોન પર વધારે ડેટાની આશા કરે છે અને એવું જોવા મળ્યું છે કે આ પહેલા મળેલા વેરિએન્ટથી તે ઘણો અલગ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દવા કંપનીઓએ આ વાતને રેખાંકીત કરી છે કે તેમણે નવી રસી વિકસિત કરવા માટે ઘણાં મહીનાઓ પહેલા જ કામ શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યુ છે કે તેમની રસી હાલમાં 6 સપ્તાહની અંદર ખુદને સમાયોજિત કરવા અને તે 100 દિવસની અંદર પ્રારંભિક બેચ તૈયાર કરવા માટે સક્ષમ છે.