અમદાવાદ, શનિવાર
ગુજરાતમાં કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી ઉદ્યોગ – ધંધાઓ પર માઠી અસર પહોંચી હતી. પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા વિવિધ પ્રતિબંધોને લીધે મોટાભાગની કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની કાર્ય પદ્ધતિ અપનાવીને ઓનલાઇન કામગીરી શરૂ કરી હતી અને જ્યાં આવી રીતે ઓનલાઇન કામગીરી શક્ય ન હોય એવા કામ – ધંધાઓ ઠપ થયા હતા. પરંતું હવે, કોરોનાની બીજી લહેર ઓસરી ગઈ છે અને બજાર પહેલાની જેમ ધમધમવા લાગ્યું છે. મુંબઈમાં તો અગાઉ કોરોનાની ૨સીના બન્ને ડોઝ લેનારાઓને જ કાર્યસ્થળે જઇને કાર્ય કરવાની પરવાનગી હતી, પરંતુ હવે આ નિયમ પણ રહ્યો નથી.
દિવાળીના તહેવારો પણ રંગેચંગે પૂર્ણ થયા છે અને કોરોનાની ત્રીજી લહેરની ભીતિ સદભાગ્યે સાચી ઠરી નથી એટલે હવે અનેક કંપનીઓએ હવે ઓફલાઇન કાર્ય કરવાની શરૂઆત કરી દીધી છે. કર્મચારીઓને હવે કંપની અથવા કાર્યસ્થળે જવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કોરોનાનું સંકટ હજી સંપૂર્ણ રીતે ટળ્યું ન હોવા છતાં સુરક્ષાના પગલાંઓ સાથે ઓફિસો – કાર્યાલયો પહેલાંની જેમ જ ફરીથી ધમધમવા લાગ્યા છે.
અનેક ખાનગી કંપનીઓએ કર્મચારીઓને કાર્યસ્થળે હાજર રહેવાનું ફરજિયાત કર્યું છે. તાજેતરમાં થયેલા સર્વેક્ષણથી દેખાઈ આવે છે કે, છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી ઓનલાઇન અને ઓફલાઇન એમ મિશ્ર કાર્ય પદ્ધતિ હવે પૂરી થઈ છે. સામાન્ય રીતે લગભગ 70 ટકા કંપનીઓએ મિશ્ર કાર્ય પદ્ધતિ પસંદગી કરી છે તથા હજાર કરતા વધુ કર્મચારી ધરાવતા કંપનીઓએ આ પદ્ધતિ અપનાવી છે. તેમ છતાં 50 ટકા કર્મચારીઓને કાર્યસ્થળે જઇને કામ કરવાની ઉત્સુકતા છે. 25થી 40 વર્ષના કર્મચારીઓએ પ્રત્યક્ષ રીતે કાર્યસ્થળે જઇને કામ કરવાની ઇચ્છા હોવાનું સર્વેક્ષણમાં જણાવ્યું હતું. (તસવીર પ્રતિકાત્મક છે)