આ સપ્તાહના આખરી કારોબારી દિવસે ભારતીય શેરબજાર મોટા કડાકા સાથે બંધ થયું છે. બીએસઈ સેન્સેક્સ 1687.94 અંક એટલે કે 2.87 ટકાના ઘટાડા સાથે 57107.15 પર બંધ થયો. તો નિફ્ટી પણ 509.80 અંક એટલે કે 2.91 ટકાના ઘટાડા સાથે 17026.45 પર બંધ થયો હતો.
આ પહેલા સવારે સેન્સેક્સ 540.30 અંકના ઘટાડા સાથે 58254.79 પર ખુલ્યો અને દિવસભરના ટ્રેડિંગમાં તેમા 1801.2 અંકનો ઘટાડો આવ્યો. બીજી તરફ નિફ્ટી 197.5 અંકના ઘટાડા સાથે 17338.75 પર ખુલ્યો હતો. તે દિવસભરના ટ્રેડિંગ દરમિયાન 550.55 અંક સુધી તૂટયો હતો.
આજે શેરબજારમાં મહાકડાકાના ત્રણ મુખ્ય કારણો હતા-
નવો કોવિડ વેરિએન્ટ-
દક્ષિણ આફ્રિકામાં કોરાના વાઈરસનો નવો વેરિએન્ટ મળ્યો છે. આ નવા વેરિએન્ટ સામે ભારત સરકારના આરોગ્ય સચિવે નિર્દેશ જાહેર કર્યા છે કે ભારત આવનારા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કોરોનાને લગતી સઘન તપાસ કરવામાં આવે.
એફઆઈઆઈ સેલિંગ-
એનએસઈ પાસે ઉપલબ્ધ આંકડાઓ પ્રમાણે,ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરે ઘરેલુ સ્ટોક્સમાં 2300.65 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. આ વેચવાલી ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સની ખરીદીથી વધારે છે. વેચવાલીએ રોકાણકારોના ઉત્સાહને પણ ઘટાડી દીધો છે.
એશિયન માર્કેટ્સના કમજોર સંકેત-
તમામ એશિયન માર્કેટમાં પણ ઘટાડાનું વલણ છે. તેની અસર ડોમેસ્ટિક માર્કેટ પર પણ જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી, નિક્કેઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ, તાઈવાન વેટેડ, કોસ્પી, સંઘાઈ કમ્પોઝિટ તમામમાં 1થી 2 ટકાનો ઘટાડો છે. બીએસઈ ઓટો સેક્ટરમાં સામેલ 15માંથી 14 કંપનીઓના શેરોમાં ઘટાડો છે. મારુતિ, અશોક લેલેન્ડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ અને મદરસુમી મોટર્સના શેર 4 ટકાથી વધારે તૂટી ચુક્યા છે. ફાર્મા સિવાયના બાકીના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં કડાકો છે. સૌથી વધુ ઘટાડો રિયલ્ટી, મીડિયા અને બેન્કિંગ સ્ટોક્સમાં જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના30માંથી 29 શેરો લાલ નિશાને બંધ થયા છે. બઢતવાળા શેરોમાં માત્ર ડૉ. રેડ્ડીઝ છે. સૌથી વધારે ઘટાડો બજાજ ફિનસર્વ, બજાજ ફાયનાન્સ, મારુતિના સ્ટોકમાં જોવા મળી રહ્યો છે.