ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં સામાન્ય બાબતે થયેલી બોલાચારીમાં ચાર શખ્સોએ યુવાનની સરાજાહેર હત્યા નીપજાવતા ચકચાર મચી છે. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યાં હતાં.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
મૃતક ધવલ પીતાંબરભાઈ લાડવા છેલ્લા સાત મહિનાથી રાજકોટની એક પરિણીતા સાથે મૈત્રી કરાર બાંધીને તાલાલામાં રહેતો હતો. થોડા દિવસ પહેલા લિવઈન રિલેશનમાં સાથે રહેતી મહિલા વચ્ચે ઝઘડો થતા પરિણીતા તાલાલામાં રહેતા તેના સંબંધીને ત્યા ચાલી ગઈ હતી. ત્યારબાદ મૃતક ધવલ તેને મળીને પરત ફરી રહ્યો હતો ત્યારે તે નરસંગ ટેકરી વિસ્તારમાં પહોંચ્યો ત્યારે ત્યાં ઉભેલા ચાર લોકોએ તેની સાથે કોઈકારણસર માથાકુટ કરી હતી. આ માથાકુટ બાદ ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ તેના ઉપર હૂમલો કર્યો હતો અને જોત જોતામાં ધવલ ત્યાં રસ્તા ઉપર ઢળી પડ્યો હતો.
આ ઘટના બાદ ત્યાં એકઠા થયેલા લોકોએ ઈજાગ્રસ્ત ધવલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યાં હતાં. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓ ફૈઝલ રજાક મજગુલ ઉર્ફે રફતાર પીંજારા, સલીમ રહીમ ભટ્ટી ઉર્ફે ઈરફાન પીંજારા,ઈમરાન રહીમ ભટ્ટી અને આકાશ વાસુદેવ વ્યાસની ગણતરીની કલાકોમાં અટકાયત કરી છે. પોલીસે હત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.