દક્ષિણ આફ્રિકામાં મળેલા કોવિડના નવા ખતરનાક વેરિએન્ટ B.1.1.529થી દુનિયાભરના દેશ સાવધાન છે. નિષ્ણાતો પ્રમાણે, કોવિડના આ નવો વેરિએટ અત્યાર સુધીનું સૌથી વધુ મ્યૂટેડ વર્ઝન છે. જર્મનીએ નવા કોરોના વાઈરસ વેરિએન્ટને લઈને દક્ષિણ આફ્રિકાથી મોટાભાગના યાત્રા પર રોક લગાવી છે. ઈટાલીએ આફ્રિકાથી આવનારી ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી છે. યૂરોપિયન યૂનિયને પણ દક્ષિણ આફ્રિકામાંથી આવનારી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી શરૂ કરી છે. ઈઝરાયલમાં દક્ષિણ આફ્રિકાના વેરિએન્ટનો એક કેસ મળ્યો છે.
ભારતના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતમાં અત્યાર સુધીમાં B.1.1.529 કોવિડ વેરિએન્ટનો એકપણ કેસ જોવા મળ્યો નથી. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને આપી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે કોવિડ B.1.1.529 વેરિએટ ઘણો વધારે મ્યુટેડ છે. તેની દેશ માટે ગંભીર સાર્વજનિક સ્વાસ્થ્ય અસર થવાની શક્યતા છે. તેવામાં વીઝા પ્રતિબંધોમાં ઢીલાશ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં મુશ્કેલીઓ વધી શકે છે. તેમણે આગળ વાત કરી છે કે જોખમ ધરાવતા દેશોમાંથી આવી રહેલા લોકોને ઝીણવટભરી રીતે ટ્રેક અને ટેસ્ટ કરવા જોઈએ.
દક્ષિણ આફ્રિકાની સરકારે સરકારી અને ખાનગી લેબોરેટરીને તાત્કાલિક જીનોમ સિક્વેન્સિંગ કરવાની સલાહ આપી છે. જેથી એ જાણકારી મેળવી શકાય કે આ વેરિએન્ટ કેટલો સંક્રમક, કેટલો ખતરનાક અને દુષ્પ્રભાવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના વાઈરસ પ્રોટોકોલનું પાલન કરો. પબ્લિક પ્લેસ પર માસ્ક લગાવો અને સોશયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. ભીડવાળા વિસ્તારોમાં ન જાવ અને હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખો, કારણ કે હજી આપણને એ ખબર નથી કે નવો વેરિએન્ટ કેટલો ખતરનાક છે.