ભારત અને ચીન વચ્ચે પૂર્વ લડાખમાં ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું એક નિવેદન ખાસું ચર્ચામાં છે. જનરલ રાવતે ચીનને સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. હવે આ નિવેદન પર ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા સિનિયર કર્નલ વૂ કિયાને આ નિવેદનને બેજવાબદાર અને ખતરનાક ગણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યુ છે કે આવા નિવેદનોને કારણે ભૂ-રાજકીય ટકરાવને પ્રોત્સાહન મળી શકે છે.
બીજિંગમાં એક ઓનલાઈન મીડિયા બ્રીફિંગ દરમિયાન સિનિયર કર્નલ વૂ કિયાને આ મુદ્દા પર વાત કરતા કહ્યુ હતુ કે ભારતના અધિકારી કોઈ કારણ વગર ચીન સાથે સૈન્ય ખતરાને લઈને અટકળો લગાવે છે. આવું નિવેદન બેજવાબદાર છે. ભારત અને ચીન સીમા મુદ્દા પર ચીનનું વલણ સ્પષ્ટ છે અને બોર્ડર ક્ષેત્રમાં ચીન શાંતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. મહત્વપૂર્ણ છે કે જનરલ રાવતે તાજેતરમાં કહ્યુ હતુ કે ભારત માટે સૌથી મોટો સુરક્ષા ખતરો ચીનથી છે. ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને ઉકેલવામાં વિશ્વાસની ઉણપ છે અને શંકા વધતી જઈ રહી છે. આ નિવેદનના જવાબમાં સિનિયર કર્નલ વૂએ કહ્યુ છે કે અમે આનો પુરજોર વિરોધ કરીએ છીએ અને અમે ભારતીય પક્ષને વાત મૂકવાનો પુરો મોકો આપ્યો છે.
કર્નલ વૂ કિયાને કહ્યુ હતુ કે ભારત-ચીન સીમા મુદ્દાને લઈને ચીનનું વલણ સ્પષ્ટ છે. ચીનના સીમા સુરક્ષા દળ દેશની સુરક્ષા અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ સાથે કોઈપણ પણ પ્રકારની સમજૂતી કરી શકે નહીં. જો કે બોર્ડર વિવાદને લઈને તણાવ ઘટાડવાની પુરી કોશિશ કરાય રહી છે કર્નલ વૂ કિયાને આના સિવાય એક જૂની ચીની કહેવત સંદર્ભે જણાવતા કહ્યુ હતુ કે જો તમે કાચનો ઉપયોગ આયના તરીકે કરો છો, તો તમે તૈયાર થઈ શકો છો. જો તમે ઈતિહાસનો આઈના તરીકે ઉપયોગ કરો છો,તો તમે ફાયદો અને નુકસાનને સમજી શકો છો. તેવી જ રીતે જો તમે લોકોને આઈના તરીકે ઉપયોગમાં લો છો, તો તમે ફાયદો અને નુકસાન સમજી શકો છો.
મહત્વપૂર્ણ છે કે મે-2020માં ચીને પૂર્વ લડાખમાં એલએસી નજીક પેંગોંગ લેક અને અન્ય વિસ્તારોમાં પોતાના સૈનિકોની તહેનાતી કરી હતી. તેના પછી 15 જૂને ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક ટકરાવ થયો હતો. તેના પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. બંને દેશો વચ્ચે સીમા વિવાદ પર કોર કમાન્ડર સ્તરની 13 રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે. પરંતુ તેમા કોઈ ખાસ પ્રગતિ થઈ નથી.
ચીન અરુણાચલ પ્રદેશને પણ પોતાનો હિસ્સો ગણાવે છે. આ સિવાય અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ચીને અરુણાચલ પ્રદેશના એક ગામમાં ઘણાં મકાન બનાવ્યા છે અને એક સૈન્ય ચોકી પણ બનાવી છે. આ મુદ્દા પર વિપક્ષે મોદી સરકારને ઘેરવાની કોશિશ પણ કરી છે. મોદી સરકારે આ વાતનું સતત ખંડન કર્યું છે કે ચીને ભારતીય ક્ષેત્રમાં અતિક્રમણ કર્યું છે.