ગુજરાતમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તાજેતરમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ અમરેલીમાં એક સમૂહ લગ્નોત્સવમાં ગયા હતા અને ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરને લઈ નિવેદન આપ્યું હતું કે, તેમના માટે અમે જગ્યા ખાલી રાખી છે. આ નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ હતી અને ધારાસભ્યે પણ સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી અને કહ્યું હતું કે, મને જનતાના આશીર્વાદ છે અને હું કોંગ્રેસનો કાર્યકર છું. ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ હોવા છતાં પણ દર વખતે કોંગ્રેસના મજબૂત નેતાઓને પોતાના તરફ લાવવા માટે ભાજપ પ્રયાસ કરતો આવ્યો છે. જાે કે, સામે પક્ષે સત્તાની લાળ ટપકતી જાેઈને ભાજપમાં આવેલા અનેક કોંગ્રેસી ધારાસભ્યોની હાલત બાવાના બેઉ બગડ્યા જેવી થઈ છે. 2017માં રાજ્યસભાની ચૂંટણી પછી ગુજરાત કોંગ્રેસમાંથી 27 જેટલા ધારાસભ્યોએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. જાે કે, અતિ ઉત્સાહમાં આવી ચૂકેલા આવા પક્ષપલ્ટુઓને જનતાએ પણ બરાબરનો પાઠ ભણાવ્યો છે અને તેમને નવરાધૂપ કરી દીધા છે.
રાજ્યમાં ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ હવે ભાજપ તેમજ કોંગ્રેસ પોતાના હથિયારની ધાર કાઢી રહ્યા છે. અગાઉ ૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટા ગાબડા પડ્યા હતા અને ટપોટપ એક પછી એક એમ ૧૧થી વધારે ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો હતો. જનતાના વિશ્વાસ સાથે દ્રોહ કરનારા પક્ષપલટુઓને જનતાએ પણ બરાબરનો પાઠ ભણાવ્યો હતો અને નવરાધૂપ કરી દીધા હતા. ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ હોવા છતાં પણ ભાજપા નિશાના પર હજુ કોંગ્રેસના મજબૂત ધારાસભ્યો છે અને તેનું ઉત્તમ ઉદાહરણ રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર માટે જાેવા મળ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલે ચોખ્ખું કહ્યું હતું કે, ડેર માટે અમે જગ્યા ખાલી રાખી છે. જાે કે, પછી તેમણે પોતાના નિવેદનથી ગુલાંટ મારી હતી અને કહ્યું હતું કે, મારા નિવેદનને મીડિયાએ ટિ્વસ્ટ કર્યું હતું.
તત્કાલિન મુખ્યમંત્રી રૂપાણી સરકારમાં કેબિનેટ કક્ષાના તેમજ રાજ્યકક્ષાના મંત્રી બનેલા પક્ષપલટુઓને રૂપાણી સરકારની રાતોરાત ફારગતિ થતાં તેમણે પણ મંત્રીપદ ગુમાવવું પડ્યું છે. હવે તેઓ નવરા થઈ ચૂક્યા છે, 2022માં પોતાને ટિકીટ મળશે કે કેમ તે વિશે પણ કોઈ ખુલીને કહી શક્તું નથી. ભાજપમાં મોટા ઉપાડે કોંગ્રેસના ધારાસભ્યોનો ભરતી મેળો શરૂ કરાયો હતો ત્યારે ભાજપના સંનિષ્ઠ કાર્યકરો પણ નિરાશ થયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલે ફરીથી એવું કહ્યું હતું કે, હવે હું કોઈ કોંગ્રેસી ધારાસભ્યને લેવાનો નથી. જાે કે, આ રાજનીતિ છે અને અહીંયા થૂંકેલું ચાટવાની પણ ફરજ પડે છે. હાલ તો કોંગ્રેસમાંથી મોટા ઉપાડે આવેલા પક્ષપલટુઓની હાલત કફોડી થઈ ચૂકી છે. પોતાના પગ ઉપર જાતે જ કૂહાડી મારી હોવાનો પણ કેટલાક પક્ષપલ્ટુઓને અહેસાસ થઈ રહ્યો છે.
2017થી આ ધારાસભ્યો ભાજપમાં જાેડાયા
શંકરસિંહ વાઘેલા (કપડવંજ), બળવંતસિંહ રાજપૂત (સિદ્વપુર), મહેન્દ્રસિંહ વાઘેલા (બાયડ), અમિત ચૌધરી (માણસા), રામસિંહ પરમાર (ઠાસરા), માનસિંહ ચૌહાણ (બાલાસિનોર), કરમશી પટેલ (સાણંદ), સી.કે.રાઉલજી (ગોધરા), ધર્મેન્દ્રસિંહ જાડેજા (જામનગર ઉત્તર), તેજશ્રી પટેલ (વિરમગામ), ભોળાભાઈ ગોહીલ (જસદણ), પ્રહલાદ પટેલ (વિસનગર), કુંવરજી બાવળિયા (જસદણ), જવાહર ચાવડા (માણાવદર), અલ્પેશ ઠાકોર (રાધનપુર), ધવલસિંહ ઝાલા (બાયડ), આશા પટેલ (ઊંઝા), જીતુ ચૌધરી (કપરાડા), અક્ષય પટેલ (કરજણ), બ્રિજેશ મેરઝા (મોરબી), જે.વી.કાકડીયા (ધારી), પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા), સોમા પટેલ (લીંબડી), મંગળ ગાવિત (ડાંગ), પ્રવિણ મારૂ (ગઢડા) અને પરષોત્તમ સાબરિયા (ધ્રાંગધ્રા)નો સમાવેશ થાય છે.
ગુરૂ તો ડૂબ્યો પણ શિષ્યને પણ ડૂબાડ્યો
કોંગ્રેસમાં જાેડાયેલા અલ્પેશ ઠાકોરને પણ ભાજપમાં સત્તાની લાળ ટપકતી જાેવા મળી હતી. રાતોરાત મંત્રી બની જવા માટે કોંગ્રેસનો છેડો ફાડ્યો હતો અને ભાજપે મોટા ઉપાડે અલ્પેશને પોંખ્યો હતો. જાે કે, રાધનપુરની પેટાચૂંટણીમાં મતદારોએ પક્ષપલટુ અલ્પેશ ઠાકોરને ઘેર બેસાડી દીધો હતો. અલ્પેશ ઠાકોરને બાયડ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગુરૂ માનતા હતા અને ગુરૂના કહેવાથી તેમણે પણ પક્ષપલટુ કર્યો હતો અને ભાજપે પણ મોટા ઉપાડે ટિકીટ આપી હતી. જાે કે, શાણા મતદારોએ ધવલસિંહ ઝાલાને પાઠ ભણાવ્યો હતો અને કારમી હાર થઈ હતી. આમ, ગુરૂ તો ડૂબ્યો પણ સાથે-સાથે શિષ્યને પણ ડૂબાડતો ગયો હતો.
પક્ષ પલ્ટુઓ માટે રાજકીય ભવિષ્ય ધૂંધળું
ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં રાઘવજી પટેલ, જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરઝાને મંત્રી પદ મળ્યું છે. કોળી સમાજના દિગ્ગજ નેતા એવા કુંવરજી બાવળિયાથી લઈ જયેશ રાદડીયા જેવા નેતાના પત્તા પણ કાપી નાખવામાં આવ્યા હતા. ૨૦૨૨માં પક્ષપલ્ટુઓને ટિકીટ મળે તેવી શક્યતાઓ ઘણી ઓછી જાેવા મળી રહી છે ત્યારે આવા પક્ષપલ્ટુઓની રાજકીય કારકિર્દી અંત તરફ આગળ વધે તો નવાઈ જેવું લાગશે નહી.