લોકોના ઘરમાં અંજવાળું ફેલાવવાનું કામ વિવિધ વીજકંપનીઓ કરી રહી છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં 300થી વધુ માણસો અને 400થી પણ જાનવરોનો મોત આ વીજ વીતરણ કરતી કંપનીઓની ઘોર બેદરકારીને કારણે થયા છે. લટકતા વાયરો અને ઈલેક્ટ્રિસિટી સપ્લાયના ફોલ્ટ આવા અકસ્માતોને નોતરી રહ્યાં છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી વીજશોકથી જાનવરો અને માણસોના મૃત થવાના બનાવોમાં વધારો થયો છે. ખાસ કરીને સૌથી વધારે બનાવો ચોમાસાના સમયે બને છે. આ વર્ષે વીજ વીતરણ કરતી કંપનીઓના લટકતા વાયરોના કારણે 184 જાનવરોના મોત નીપજ્યાં છે. જ્યારે વીજ કરંટ લાગતા 96 માણસોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
તો છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે 2016થી 2022ના સપ્ટેમ્બર માસ સુધીના આંકડો ઘણો ચોંકાવનારો સામે આવ્યો છે. આ પાંચ વર્ષોમાં કુલ 1658 માણસો અને 2518 જાનવરોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. આમ દર બે દિવસ એક વ્યક્તિ અને ત્રણ પશુઓ પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે.
વીજ કરંટથી થયેલા અકસ્માતોમાં પ્રાણ ગુમાવનારાઓને યોગ્ય વળતર આપવાના મુદ્દે કંપનીઓ અને ગુજરાત વીજ નિયમન પંચ મૌન ધારણ કરીને બેસી ગયું છે. જો અકસ્માતમાં કોઈ પશુ કે જાનવરોનો જીવ જાય તો રૂ. 5 હજાર અને જો માનવ જીવ જાય તો રૂ. 50 હજારનું વળતર આપવામાં આવે છે. આ વળતર આપ્યાં બાદ વીજવિતરણ કંપનીઓ મૃતક વ્યક્તિના પરિવાર પાસેથી તે કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં કરે તેની ખાતરી લઈને તે કોઈપણ પ્રકારના કોર્ટ કેસ નહીં કરે તેવું લખાણ પણ લઈ લેવામાં આવે છે.
પરિવારજનોને વીજવિતરણ કંપનીઓ એક વખત નાણા ચુકવી આપી આ સમગ્ર મામલો સંકેલી લે છે અને આ જ કારણે હજુ સુધી આવા કેસોમાં કોઈએ ફરિયાદ કરી નથી. આમ જેના શીરે લોકોના ઘરમાં અંજવાળુ કરવાની જવાબદારી છે તે જ વીજવિતરણ કંપનીઓની એક ભુલના કારણે પરિવારજનોની જિંદગીમાં કાયમને માટે અંધારૂ ફેલાઈ જાય છે.