દક્ષિણ આફ્રિકા અને બોત્સાવાનામાં મળેલા કોરોનાના નવા વેરિએન્ટને લઈને ખતરો વધી રહ્યો છે. તેને જોતા ડબ્લ્યૂએચઓએ શુક્રવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. બ્રિટનના સાઈટિસ્ટ્સે પણ બોત્સવાનામાં મળેલા નવા વેરિએન્ટને લઈને ચેતવણી આપી હતી. તેમાં 32 મ્યુટેશન થઈ રહ્યા છે. તેના કારણે વેક્સિન પણ તેની વિરુદ્ધ અસરકારક નથી. આ વેરિએન્ટ પોતાના સ્પાઈક પ્રોટીનમાં બદલાવ કરીને ઘણી ઝડપતી ફેલાય રહ્યો છે.
દક્ષિણ આફ્રિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફેક્શિયસ ડિસિઝે કહ્યું છે કે દેશમાં આ વેરિએન્ટના અત્યાર સુધીમાં 22 કેસ મળ્યા છે. વૈજ્ઞાનિકોએ તેને B.1.1.529 નામ આપ્યું છે અને તેને વેરિએન્ટ ઓફ સીરિયસ કન્સર્ન ગણાવ્યો છે. ડબ્લ્યૂએચઓમાં કોરોનાના મામલાના તકનીકી પ્રમુખ ડૉ. મારિયા વાન કેરખોવે કહ્યુ છે કે અમને આ વેરિએન્ટ સંદર્ભે વધારે જાણકારી મળી નથી. મલ્ટિપલ મ્યુટેશનના કારણે વાઈરસના વ્યવહારમાં બદલાવ થઈ રહ્યો છે અને તે ચિંતાનું કારણ છે.
બ્રિટને નવા વેરિએન્ટના ખતરાને જોતા આફ્રિકાના 6 દેશોની ફ્લાઈટ્સને સસ્પેન્ડ કરી છે. આ દેશોમાં દક્ષિણ આફ્રિકા, નામીબિયા, બોત્સવાના, ઝિમ્બાબ્વે, લિસોથો અને એસવાટિની સામેલ છે. બ્રિટનના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યુ છે કે દેશની હેલ્થ એજન્સી નવા વેરિએન્ટની તપાસ કરી રહી છે. અમારે વધુ ડેટાની જરૂરત છે. પરંતુ અમે હાલ સાવધાની દાખવી રહ્યા છીએ. આ 6 આફ્રિકન દેશોને રેડ લિસ્ટમાં નાખવામાં આવશે અને બ્રિટન આવનારા પ્રવાસીઓને ક્વારંટાઈન રહેવું પડશે.
સાઉથ આફ્રિકાથી હોંગકોંગ પહોંચેલા લોકોમાં પણ આ વેરિએન્ટનો ચેપ જોવા મળ્યો છે. નવો વેરિએટ સૌથી પહેલા રીગલ એરપોર્ટ હોટલમાં રોકાનારા બે વ્યક્તિઓમાં જોવા મળ્યો. હોંગકોંગની સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન પ્રમાણે, તપાસમાં જાણકારી મળી છે કે બંને મામલા B.1.1.529 વેરિએન્ટના જ છે. પહેલા શખ્સે એર વાલ્વવાળો માસ્ક પહેર્યો હતો અને આ માસ્કને કારણે જ અન્ય શખ્સમાં વાઈરસનું સંક્રમણ પહોંચ્યું.
હોંગકોંગ અને બોત્સવાનાથી આવનારા પ્રવાસીઓની તપાસ માટે તમામ એરપોર્ટોને નિર્દેશ અપાયા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ સતર્કતા દાખવવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તેઓ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવનારા પ્રવાસીઓની સારી રીતે ચકાસણી કરે. કોઈપણ પ્રકારની બેદરકારી બિલકુલ રાખે નહીં.