તાઈવાનના મામલાને લઈને ચીને ફરી એકવાર અમેરિકાને સંભળાવ્યું છે. ચીને કહ્યું છે કે તાઈવાન પર કોઈપણ પ્રકારની કોઈ જ સમજૂતી નથી અને તેને લઈને અમેરિકાએ કોઈ ભ્રમમાં રહેવું જોઈએ નહીં. ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે વોશિંગ્ટને ઘણાં મામલાઓ પર ઉશ્કેરણીની એક શ્રેણી બનાવી હતી.
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ એક વર્ચુઅલ મીટિંગમાં બેઠા હતા. આ બેઠક દરમિયાન પણ તાઈવાનને લઈને બંને રાષ્ટ્રપ્રમુખો વચ્ચે તીવ્ર મતભેદ યથાવત રહ્યા હતા. જિનપિંગે કહ્યુ હતુ કે તાઈવાનની આઝાદી ઈચ્છનારા લોકો અને તેમના અમેરિકન સમર્થક આગ સાથે રમત રમી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તાજેતરના દિવસોમાં અમેરિકા તરફથી ઘણી બેજવાબદાર વાતો કહેવામાં આવી છે. તાઈવાન અને દક્ષિણ ચીન સાગરને લઈને અમેરિકાએ ઉશ્કેરણીજનક પગલા ભર્યા છે. બંને દેશો પાસે એડવાન્સ સેના અને હથિયાર છે. તેવામાં અમેરિકાએ સાર્વભૌમત્વ અને ગરિમાના મૂળ હિતોનો ખ્યાલ રાખવો જોઈએ. અમેરિકાએ લોકશાહી રીતે શાસિત તાઈવાન પર ચીની સાર્વભૌમત્વને સ્વીકારવા માટે મજબૂર કરવા બદલ રાજદ્વારી અને સૈન્ય દબાણ વધારવાને લઈને ચીનની નિંદા કરી છે. તાજેતરમાં જૉ બાઈડને એક બેઠક દરમિયાન એમ પુછવામાં આવતા કે જો ચીન તાઈવાન પર હુમલો કરે છે, તો શું અમેરિકા તાઈવાનની સુરક્ષા કરશે? તેનો જવાબ આપતા બાઈડને કહ્યુ હતુ કે હા, અમે આમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તાઈવાનના રાષ્ટ્રપ્રમુખ ત્સાઈ ઈંગ વેને આખરી ક્ષણ સુધી સુરક્ષા કરવાના સોગંદ ખાધા છે.