અમદાવાદ, ગુરૂવાર
ધો.1થી 5ની શાળાઓ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લેતા હવે સ્કૂલ યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકોની ખરીદી માટે વાલીઓની બજારમાં ભારે ભીડ ઉમટી છે. અમુક શહેરોમાં તો એટલી બધી ભીડ થાય છે કે ગ્રાહકોની લાઈન બનાવવી પડે છે. સ્કુલ યુનિફોર્મ ના ભાવમાં હાલ કોઈ વધારો થયો નથી પણ જુઓ સરકાર કાપડ પર નો જીએસટી 12 ટકા કરી દેશે તો ભાવ વધી જશે તેમ એક વેપારીએ જણાવ્યું હતું.
રાજ્ય સરકારે ગત 22 નવેમ્બરથી અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યભરમાં ધો.1 થી 5 ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કરતા સ્કૂલો ફરીથી ધમધમવા માંડી છે. પરિણામે, હવે વાલીઓ બાળકોને સ્કૂલ ડ્રેસ, પાઠ્ય પુસ્તકો, સ્ટેશનરી સહિતની વસ્તુઓ ખરીદવા લાગ્યા હોવાથી મોટાભાગની સ્કૂલ યુનિફોર્મની દુકાને વાલીઓની લાઈન લાગી છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પોતાના બાળકો માટે વાલીઓને સ્કૂલ ડ્રેસ મળી રહ્યા છે. માત્ર રાજકોટ શહેરમાં જ અત્યારે દરરોજ સરેરાશ 3 હજાર જેટલા સ્કૂલ ડ્રેસ વેચાઈ રહ્યા છે. યુનિફોર્મના એક વેપારીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સરકાર કાપડ પર લેવાતો જીએસટી વધારશે તો અમારે યુનિફોર્મના ભાવમાં 15 ટકાનો વધારો કરવો પડશે. હાલ યુનિફોર્મ પર 5 ટકા જીએસટી લેવાય છે. વાલીઓની આખો દિવસ ભીડ રહે છે જેથી કોવિડની ગાઈડલાઈન પ્રમાણે એકસાથે દુકાનમાં પ્રવેશ આપવાને બદલે તબક્કાવાર અપાય છે. (તસવીર પ્રતિકાત્મક છે)