દેશના અનેક ભાગમાં અને ગુજરાતમાં પણ ટમેટાના છૂટક ભાવમાં વધારો થયો છે. સ્થિતિ એવી છે કે પેટ્રોલ કરતા ટામેટા મોંઘા થયા છે. લોકોને લાગે છે કે ખેડૂતોના કારણે આ ભાવ વધ્યા છે પણ આમાં વચેટિયાઓ જ વિલન છે. ખોટી સંગ્રહખોરી થી માર્કેટનું ચિત્ર બદલ્યું છે.
જથ્થાબંધ માર્કેટમાં 50થી 60 રૂપિયે કિલોના ભાવે ટમેટા મળે છે પણ રિટેલ વેપારીઓએ સો રૂપિયે ભાવ કરી દીધો છે. આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં પૂરના સમાચારનો ફાયદો ઉઠાવીને વચેટિયાઓ અને રિટેલર્સ ગ્રાહકોને ખુલ્લે આમ લૂંટી રહ્યા છે અને સરકાર તમાશો જોઇ રહી છે. અત્યારે સ્થિતિ એવી છે કે જેના શાકમાં ટમેટાના દર્શન થાય એ ધનવાન મનાય. આંધ્રપ્રદેશ દેશનુ સૌથી મોટુ ટામેટા ઉત્પાદક રાજ્ય છે. ત્યાં ભારે વરસાદના કારણે ટમેટાને મોટું નુકસાન થયું છે. માગ અને પુરવઠાનો ગાળો વધી ગયો છે. દેશમાં મંગળવારે સૌથી વધારે ટમેટાના ભાવ ચેન્નાઇમાં બોલાયા હતાં. ચેન્નાઇમાં કોયમવેડુ, મંડાવેલી અને નંદનમ માર્કેેટમાં ટમેટા 160 રૂપિયે કિલો પહોંચી ગયા છે. આંધ્ર પ્રદેશ સિવાય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ટામેટા પાકે છે.ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં પણ ટમેટાનો પાક બગડયો છે. તેમ છતાં ભાવ વધારાનો સૌથી મોટો ફાયદો વચેટિયાઓ જ રળી રહ્યા છે.