મોરબી મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણી બાદ કોંગ્રેસમાં રાજકીય હલચલ તેજ બની છે. વોર્ડ નંબર 3, 4 અને 5ની જવાબદારી સંભાળનાર સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તાએ પેનલને મળેલી હારની નૈતિક જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાને સંબોધીને લખાયેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે, પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીમાં મળેલા નિરાશાજનક પરિણામને તેઓ ગંભીરતાથી સ્વીકારે છે અને એક જવાબદાર કાર્યકર તરીકે તેની નૈતિક જવાબદારી લે છે. તેમણે પોતાના પત્રમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા પદ પરથી રાજીનામું અર્પણ કરતા લખ્યું છે કે તેઓ હંમેશા કોંગ્રેસ પક્ષના સિદ્ધાંતો અને આદર્શો પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યા છે અને આગળ પણ એક સામાન્ય કાર્યકર તરીકે પક્ષ માટે કાર્યરત રહેશે.
સાથે જ તેમણે અત્યાર સુધી સાથ સહકાર આપનાર સાથી મિત્રો, આગેવાનો, કોંગ્રેસના કાર્યકરો, સામાજિક આગેવાનો અને વિસ્તારના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના રાજીનામાને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

