કેલેન્ડર વર્ષ 2021 પૂરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજય સરકાર તરફથી નવું વર્ષ 2022ની રજાઓ જાહેર કરી દેવાઈ છે. કુલ 24 રજામાંથી પાંચમાં રવિવારે આવે છે. નિગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ બેંક કર્મચારીઓ માટે કુલ 21 રજા રહેશે તેમાંથી પાંચ રવિવારે આવે છે. રાજયના સામાન્ય વહીવટ વિભાગ તરફથી નવા વર્ષની રજાનું શેડયુલ જાહેર કરવામાં આવ્યું છે. નવા વર્ષની સૌપ્રથમ રજા મકરસંક્રાંતિથી શરૂ થશે. જાન્યુઆરી-માર્ચમાં માત્ર બે રજા હશે. એપ્રિલમાં પાંચ રજા આવશે. ઓગષ્ટમાં 6 રજા હશે. સૌથી વધુ સાત રજા ઓકટોબરમાં રહેશે. નવેમ્બર-ડિસેમ્બરમાં એક-એક રજા આવશે.

રાજય સરકારના કર્મચારીઓની પાંચ રજા કપાશે. કારણ કે તે રવિવારે આવે છે. રામનવમી, બકરીઈદ, ગાંધી જયંતિ, ઈદ-એ-મિલાદ તથા નાતાલ એમ પાંચ રજા રવિવારની છે. તા.15 ઓગષ્ટનો સ્વતંત્રતા દિવસ, દિવાળી તથા સરદાર પટેલ જયંતિ એમ ત્રણ રજા સોમવારે આવતી હોવાથી કર્મચારીઓને ચાર વખત સળંગ રજાનો લાભ મળશે. એકાદ વખત મંગળવારની રજા હોવાથી કર્મચારી સોમવારની રજા મુકીને સળંગ ચાર દિવસની રજાનો લાભ લઈ શકશે. બીજી તરફ બેંક કર્મચારીઓ માટે જાહેર રજાઓમાં ચેટીચાંદ, પતેતી તથા ગુરુનાનક જયંતિનો સમાવેશ નથી. અર્થાત રાજય સરકારના કર્મચારીઓ કરતા તેઓને ત્રણ રજા ઓછી મળશે.