અમદાવાદમાં શહેરના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરનું નિર્માણકાર્ય વિધિવત અને શાસ્ત્રોક્ત વિધિ સાથે શરૂ થઈ ગયું છે. સોમવારે સાંજે અહીં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જે અંતર્ગત દીપોત્સવની ઉજવણી અંતર્ગત 31000 દીવાઓથી તૈયાર કરી મા ઉમિયાના સૌથી મોટા મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ હતી. આ ઝળહળતાં દીવડાનો અદભૂત નજારો સૌ કોઈના મન મોહી લે તેવા દ્રશ્યો સર્જાયા છે. નયનરમ્ય નજારાના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. ડ્રોનથી લેવાયેલી તસવીરમાં મંદિરની પ્રતિકૃતિનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.
જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં સમાજના લોકો અને ભક્તો ઉમટી પડ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ અદભૂત નજારાને પોતાના મોબાઈલમાં વીડિયો શૂટ કર્યો હતો. મંદિરમાં જમીનથી 52 ફૂટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે. જ્યારે 270 ફૂટ ઊંચાઈએ વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવશે. 100 વીઘા જમીનમાં તૈયાર થવા માટે જઈ રહેલા 504 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમયે ગર્ભગૃહથી 10 ફૂટ નીચે સોનું, ચાંદી, તાંબુ, ઝવેરાત, મોતી એમ પંચધાતુનું 14 કિલોનું મિશ્રણ શુદ્ધીકરણ માટે નાખવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનનો લક્ષ્યાંક છે વૈશ્વિક કક્ષાનું મંદિર પરિસર બને પ્રવાસ ક્ષેત્રે તેની ગણના થાય. તે છે. ગર્ભગૃહ મુખ્ય 9 શિલા પર તૈયાર કરાશે. આ નવ વિશેષ શિલા- કૂર્મ શીલા, નંદ શિલા, ભદ્રા શિલા, જયા શિલા, પૂર્ણા શિલા, અજિતા શિલા, અપરાજિત શિલા, શુક્લા શિલા, સૌભાગિની શિલાની પૂજન વિધિ કરવામાં આવી હતી.
શિલાન્યાસના બીજા દિવસે જર્મન આર્કિટેક્ટ પણ જાસપુર આવ્યા હતા. તેમણે ઇન્ડોર જર્મન ટેક્નોલોજીથી મંદિરનું નિર્માણ કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક્ટ્સ મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરી હતી. આ સમગ્ર મંદિર તૈયાર થતા હજું પાંચ વર્ષનો સમય લાગશે. પણ મંદિર કેવું તૈયાર થશે એ માટેનો 3ડી વ્યૂ જાહેર કરાયો છે. એના પરથી આ દીવાઓની ગોઠવણી કરીને દીપોત્સવ કરાયો હતો. જેમાં રાજકીય પદાધિકારીઓ સહિત સમાજના નાના મોટા આગેવાનો પણ જોડાયા હતા.