ભાજપ તરફથી રાજ્યના દરેક મહાનગરમાં સ્નેહમિલનનું કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે. રવિવારે અમદાવાદમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ શહેરના સાબરમતી રીવરફ્રન્ટ પર આ કાર્યક્રમ યોજાયો હતો. જો કે, આ કોઈ સ્નેહમિલન કાર્યક્રમ નહીં પણ ભાજપનું શક્તિ પ્રદર્શન હોય એવું લાગી રહ્યું હતું. શહેર ભાજપ યુવા મોરચા તરફથી 2000 બાઈક સાથે રેલી યોજાઈ હતી. જે રીવરફ્રન્ટથી વલ્લભસદન થઈને ઈવેન્ટ સેન્ટર સુધી પહોંચી હતી. પણ કાર્યક્રમમાં જે વસ્તુએ સૌનું ધ્યાન ખેંચ્યુ એ મુખ્યમંત્રીનું ભાષણ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાષણ ચાલું હતું ત્યારે જમણવાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે લોકોએ જમવા માટે પડાપડી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અમદાવાદની સાબરમતી નદીના કિનારે સ્નેહનો દરિયો ઊભરાયો છે. ઘણા સમય પછી બધાને બહાર નીકળવા માટેનો મોકો મળ્યો છે. નાનામાં નાના કાર્યકર્તાને કયાંય જરૂર પડે તેના માટે દાદા બનવા તૈયાર. સારા કાર્યકર્તા જ સારો નેતા બની શકે છે. આ સાથે કામ કર્યું અને સાથે આગળ કઈ રીતે આગળ લઈ જવા માટે એક મોટો સંકલ્પ કરવાનો છે. આપણે કયાંય ને ક્યાંય બધું તૈયાર કહીએ બધું આપીએ પરંતુ છેલ્લે ખબર પડે કેટલી તકલીફ પડે છે. આપણે પ્રજાની વચ્ચે રહી કાર્ય કરવાનું છે. ભાજપના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા ત્યારે જમણવાર ચાલું થઈ જતા પડાપડી થઈ હતી. સ્નેહમિલન કાર્યક્રમના જમણવારમાં ઊંધીયુ, પુરી, કઢી, ભાત, જલેબી, ભજીયા અને ભૂંગળા પીરસવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં હાજર કાર્યકર્તાઓની જમણવારના ટેબલ પર ભીડ જામી હતી. પીરસવાના કાઉન્ટર પર કોઈ માણસ ન હતું છતાં કેટલાક કાર્યકર્તાઓએ પોતાની જાતે જમવાનું શરૂ કરી દીધું હતું. ડી જે સાથે બાઇક રેલી રીવરફ્રન્ટ વલ્લભસદનથી ઈવેન્ટ સેન્ટર સુધી પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ પંચાલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમાર સહિત અનેક આગેવાનો સામેલ થયા હતા.
અમિત શાહે સોશિયલ મીડિયા માધ્યમથી ભાજપના સૌ કાર્યકરોને સ્નેહમિલન કાર્યક્રમમાં આમંત્રણ પણ પાઠવ્યું છે. તમામ 48 વોર્ડમાંથી યુવા મોરચાના કાર્યકરો બાઇક લઈ સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન સુધી પહોંચી હતી. આ કાર્યક્રમમાં આશરે 5000 જેટલા કાર્યકર્તાઓ આવ્યા હોવાનો અંદાજ છે. જોકે. કેટલાક તો ગાંધીનગરથી પણ અમદાવાદ આ કાર્યક્રમ હેતું આવ્યા હતા. પણ સૌથી વધારે જે દ્રશ્યોની ચર્ચા થઈ રહી છે એ જમણવારની છે. જ્યાં એક બાજું મુખ્યમંત્રીનું ભાષણ ચાલું હતું ત્યાં કાર્યકર્તાઓએ ભોજનકાર્ય શરૂ કરી દીધું હતું.