અમદાવાદ શહેરમાંથી પોલીસ ચોપડે ઘરકંકાસની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પતિ, સસરા, સાસુ તથા મામા સામે પોલીસ ફરિયાદ કરી છે. કારણ કે, આ તમામ લોકો કરિયાવરની માંગ કરી રહ્યા હતા. આ ઉપરાંત મહિલાને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. પતિ જ્યારે ફોન પર વાત કરતો ત્યારે પત્ની પૂછતી એ સમયે કહેતો કે, તારી સોતન સાથે વાત કરી રહ્યો છું. પછી ઢોરમાર મારતો હતો. પત્નીના પીયરમાં રહેલા એસીને પોતાને ત્યાં લાવવાનું કહીને ત્રાસ આપતો હતો.
જુહાપુરા વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતી દોઢ મહિનાથી પોતાના પીયરમાં રહે છે. વર્ષ, 2017માં ચિલોડા ગામે રહેતા એક યુવાન સાથે એના લગ્ન થયા હતા. એક વર્ષ સુધી સાસરીયાએ સારી રીતે રાખી. પછી વાસ્તવિક રૂપ દેખાડ્યું. માર મારવાી લઈને માનસિક ત્રાસ સુધીનો અત્યાચાર યુવતીએ સહન કર્યો. યુવતી વાસણ ઘસવા બેસે તો સાસુ એને કમરમાં લાત મારતી હતી. પતિ કહેતો કે, અમે કામવાળી તરીકે લાવ્યા છીએ. અનેક વખત ઢોર માર મારતો હતો. યુવતીએ આ ત્રાસથી કંટાળીને મામાજી સસરાને વાત કરી હતી. પણ તેણે પણ સાસરીયા પક્ષની તરફેણ કરી ત્રાસ દેવાનું શરૂ કરી દીધું. જ્યારે પતિ એના સાસરે જતો ત્યારે ત્યાં રહેલા એસીથી મોહી ગયો હતો. પત્નીને પિતા પાસે આ એસી માગવાનું કહેતો હતો. પત્ની મનાઈ કરે તો કમરમાં લાત મારતો હતો. સાસુને જ્યારે આ વાતની જાણ કરી ત્યારે યુવતી નાટક કરે છે એવું કહીને કંઈ ધ્યાને લીધું નહીં. દહેગામે મકાન લેવાનું હોવાથી પતિએ સાસરા પાસેથી રૂ.10 લાખ માગ્યા હતા. પત્ની કોઈ કરિયાવર નથી લાવી એવું કહીને ધમકાવતો હતો.
એક દિવસ મહિલા પિયરમાં હતી ત્યારે તેનો પતિ ત્યાં આવ્યો અને દીકરો રમાડવા માટે લઈ જવાનું કહી લઈ ગયો હતો. અંતે મહિલાએ ત્રાસી જઈને મહિલાએ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે મહિલાની ફરિયાદ લઈને કાયદેસરના પગલાં લીધા છે. આ ઉપરાંત પતિ, સસરા, સાસુ તેમજ મામા સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. જોકે, મહાનગરમાંથી દિવસે દિવસે ઘર કંકાસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને કરિયાવરના કિસ્સાઓમાં લાલચભૂખ્યા પરિજનો ત્રીજી વ્યક્તિઓ પર ત્રાસ વર્તાવીને મહિલાઓ પર અત્યાચાર કરી રહ્યા છે.