ઉત્તરાખંડની મુલાકાતે પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રીએ ફરી એકવખત ચૂંટણીલક્ષી નિવેદન કર્યું છે. જોકે, આ પાછળ એમનો હેતું પક્ષ મજબુતીનો હોય એવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે જો તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં સરકાર બનાવે છે. તો રાજ્યના લોકોને મફતમાં રામલલાના દર્શન કરાવવામાં આવશે. ઉત્તરાખંડ પહોંચેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ સિવાય પણ અનેક મોટા ચૂંટણીલક્ષી વાયદા કરી નાંખ્યા છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જો AAPની સરકાર ઉત્તરાખંડમાં બનશે તો દેવભૂમિના લોકો અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા માટે મફત યાત્રા કરશે. જોકે, આ પહેલા પણ તેઓ મફતમાં તીર્થયાત્રાનું એલાન દિલ્હીથી કરી ચૂક્યા છે. તેઓ રામ લલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા આવ્યા હતા. ત્યાંથી બહાર નીકળતાં જ તેમના મનમાં એક ભાવના આવી કે ભગવાન મને શક્તિ આપો કે હું દરેકને મફતમાં અયોધ્યાની મુલાકાત લઈ શકું. મુખ્યમંત્રી તીર્થ યોજના હેઠળ દિલ્હીના વડીલોને વિનામૂલ્યે તીર્થયાત્રા મળે છે. કુલ 12 સ્થળોની યાદી તૈયાર કરવામં આવી છે. તેમાં અયોધ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 36 હજારથી વધુ લોકોએ વિનામૂલ્યે દર્શન કર્યા છે. એવું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે. દિલ્હીની જેમ આ યોજના ઉત્તરખંડમાં પણ શરૂ કરવામાં આવશે. એસી ટ્રેનમાં મુસાફરોને લઈ જવા, લાવવા, એસી હોટલોમાં રોકાવા જેવી તમામ સુવિધાઓને આ યોજનાનમાં આવરી લેવાશે એવી પણ ચોખવટ કરી. મુસ્લિમોને અજમેર શરીફ લઈ જવામાં આવશે. શીખોને કરતારપુર સાહિબના મફત દર્શન થશે. જે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી આ અંગે ગેરંટી આપે છે કે લોકોની દુનિયા સુધરશે અને આગળની દુનિયા પણ સુધરશે.
આ સિવાય ટેક્સી ડ્રાઈવરો માટે પણ જાહેરાત કરી છે. ડ્રાઇવરો માટે ફેસલેસ આરટીઓ સિસ્ટમ બનાવવામાં આવશે. આ સિવાય અકસ્માતની તમામ સારવારનો ખર્ચ આમ આદમી પાર્ટી સરકાર ભોગવશે. વાહનની ફિટનેસ ફી નાબૂદ કરશે. તેમણે ડ્રાઇવરો માટે સત્તાવાર પાર્કિંગ બનાવવાની પણ જાહેરાત કરી હતી. જોકે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગામી વિધાનસભા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પહેલા તેઓ પંજાબની મુલાકાત લેવા માટે પણ પહોંચ્યા હતા.