રાજકોટ ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. આવા માહોલ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ શનિવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. પણ સૌથી વધારે ચર્ચાતો મુદ્દો એ રહ્યો છે કે, આવા સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વજુભાઈ વાળાને અચાનક બહારગામ જવાનું થતા રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે. રાજકોટ ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓ તરફથી પાટીલનું એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું. સવારથી જ ભાજપના આગેવાનો, નેતાઓ તથા કાર્યકર્તાઓ એરપોર્ટ પહોંચ્યા હતા.
એક તરફ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટ આવ્યા છે તો બીજી તરફ વિજય રૂપાણી મહાનગર સુરત પહોંચ્યા હોવાના વાવડ મળ્યા છે. જ્યારે સિનિયર નેતા વજુભાઈ વાળા બહારગામ ગયા છે. રાજકોટમાં સી.આર. પાટીલ ત્રણ મોટા કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ચર્ચા એવી ચાલી રહી હતી કે રૂપાણી અને પાટીલ ફરી એકવખત એક જ મંચ પર આવશે? પણ હવે એવું નહીં બને. બપોરના સમયે રાજકોટના હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસદ, ધારાસભ્યો તથા કેટલાક કાર્યકર્તાઓ ખાસ હાજરી આપવાના છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કર્યું છે. તા. 15મીએ શહેર ભાજપે સ્નેહમિલન યોજી નાખ્યું હતું અને એમાં જે રીતે સિનિયર નેતાઓ વચ્ચે બોલાચાલી થઇ એના બીજા જ દિવસે પાટીલની હાજરીમાં યોજાનારું સ્નેહમિલન રદ કરવાની જાહેરાત થઇ હતી.
જોકે, આ મુદ્દે પક્ષમાં મોટા પડઘા પડ્યા છે. સિનિયર નેતાઓ અને હાલના પદાધિકારીઓ વચ્ચે એક પ્રકારની ખટાશ સપાટી પરી આવી રહી છે. ચાર ખાનગી કાર્યક્રમોમાં હાજરી આપીને તેઓ રાજકોટ મુલાકાત કરશે. જોકે, ચર્ચા એવી પણ છે કે, પક્ષના કેટલાક આગેવાનો સાથે તેઓ બંધ બારણે બેઠક પણ કરવાના છે. સત્તા પરિવર્તન બાદ પહેલી વખત પ્રદેશ પ્રમુખ પાટીલ રાજકોટના મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બ્રહ્મસમાજના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. પણ સમાજના આગેવાન નીતિન ભારદ્વાજ બહારગામ હોવાનું રાજકીય વર્તુળમાંથી જાણવા મળ્યું છે. રાજકોટની મુલાકાત બાદ તેઓ જામનગર શહેરની મુલાકાત પણ લેવાના છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં દિક્ષા મહોત્સવ અને વ્હોરા સમાજના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હોવાનું જાણવા મળ્યું છે.