પાકિસ્તાનની જેલમાં છેલ્લા ત્રણ વર્ષથી બંધ રહેતા ગીરસોમનાથના 19 અને પોરબંદરના 1 માછીમારને પાકિસ્તાને મુક્ત કર્યાં બાદ આજે તેઓ માદરે વતન આવી પહોંચ્યાં હતાં. જ્યાં એસઓજીની ટીમ દ્વારા ત્યાં તેમનું ઈન્ટ્રોગેશન કર્યું હતું. તો બીજી તરફ મુક્ત થયેલા માછીમારો વતને પહોંચતા પરિવારજનોની આંખમાંથી હર્ષના આસું વહ્યાં હતાં. સાથે જ મુક્ત થયેલા માછીમારોએ પાકિસ્તાનની જેલમાં રહેલા 580 માછીમારોને મુક્ત કરવા માગ કરી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય માછીમારો પૈકીના 20 માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામા આવ્યા હતા. આ તમામ માછીમારોની વાઘા-અટારી બોર્ડર પર ભારતને સોંપવામાં આવ્યાં હતાં. ભારત પરત ફર્યા બાદ ફિશરિઝ વિભાગના માધ્યમથી આ તમામ માછીમારો માદરે વતન વેરાવળ પરત પહોંચ્યા હતા. જે 20 માછીમારો પરત ફર્યા છે તેમાં 19 ગીર સોમનાથના અને 1 પોરબંદરનો રહેવાસી છે.
પાકિસ્તાની મરીન દ્વારા ગીર સોમનાથના માછીમારોનું અપહરણ કરાયા બાદ કોઈ બે વર્ષથી તો કોઈ ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતું. તમામના પરિવારજનો પોતાના પરિજન પાકિસ્તાનની જેલમાંથી પરત આવે તેની રાહ જોઈ રહ્યા હતા. આજે 20 માછીમારો વેરાવળ પરત ફરતા જ તેના પરિવારજનો પોતાના સ્વજનને ભેંટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જે માછીમારો પરત ફર્યા છે તેઓને દુઃખ એ વાતનું છે કે હજી પણ તેના 580 જેટલા સાથીઓ પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે. તેઓને વહેલીતકે મુક્ત કરાવી પરત લાવવાની માગ કરી હતી.