દત્ત ભગવાને વિવિધ ગ્રંથોએ અલગ અલગ નામથી ઉલ્લેખ્યા છે. જેમ કે મહાયોગી, દિગમ્બર, અવધૂત, મહાજ્ઞાન પ્રદ, સત્યાનંદ, ચિદાત્મક, સિદ્ધિસેવિત, યોગીજન પ્રિય, બાલ, ઉન્મત આનંદદાયક. આ ગુરુ દત્તાત્રેયને તો શાંડિલ્ય ઉપનિષદના (૩૩)માં વિશ્વગુરુની પદવી આપેલી છે.
સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા, રક્ષક વિષ્ણુ તથા સંહારક મહેશ આ ત્રણેય અયોતિ જન્મા ત્રિદેવનું એક સ્વરૂપ તે જ ભગવાન દત્ત. અત્રિ ઋષિનાં પત્ની સતી અનસૂયાના પેટે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો તેવો ઉલ્લેખ મહાભારત વાંચનારને અવશ્ય જોવા મળે છે. શાંડિલ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે, ભગવાન વિષ્ણુએ ખુશ થઇને પુત્ર માટે તપ કરતા અત્રિ ઋષિના ઘરે અનસૂયાના પેટે જન્મ્યાનું વરદાન આપ્યું. ફળ સ્વરૂપ દત્તાત્રેયનો જન્મ થયો. ગુરુ દત્તાત્રેયે પોતાની તપોભૂમિ તરીકે ગિરનારને પસંદ કરી તેથી ગિરનારના અધિષ્ઠાતા તરીકે પણ તેઓ જ છે. જો ગિરનાર પર્વત ચડ્યા હશો તો ગિરનારના પાંચમા શિખર પર ભગવાન દત્તનાં પગલાં અવશ્ય જોયા હશે. ભારતમાં મુખ્ય દત્ત ભગવાનનાં સ્થાનોમાં કુવરપુર, નૃસિંહ વાડો, ઔદુંબર, અક્કલકોટ, કારંજા માહુર, માણેકનગર, વગેરે પવિત્ર મનાય છે. વડોદરામાં તો એકમુખી દત્તાત્રેય તથા ત્શ્રિનુપી દત્તાત્રેયનાં મંદિર છે.