ગોંડલના નાગડકા રોડ પરથી એક લૂંટની ઘટના બની છે. જેમાં એક કોટન સ્પિનમિલના એકાઉન્ટન્ટનું બાઈક રોકીને, બે શખ્સોએ ધોકા દેખાડી રૂ.3 લાખની રોકડ લૂંટી લીધી છે. શખ્સો ફિલ્મીઢબે લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જ ગોંડલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ કેસમાં પોલીસે યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે શહેરમાં નાકાબંધી કરીને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
નાગડકા રોડ પર આવેલા એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ભાવિનભાઈ માયાણી પોતાની બાઈક GJ-03-HQ-0618 પર સ્પિનિંગ મિલના રૂ.3 લાખ બેંકમાંથી ઉપાડીને મિલ બાજું આવી રહ્યા હતા. એ સમયે નાગડકા રોડ પર ઊભા રહેલા બે શખ્સોએ એને રોકી ધોકો બતાવીને ધમકી આપી હતી. પછી રૂ.3 લાખની લૂંટ ચલાવીને પલાયન થઈ ગયા હતા. આ અંગે ફરિયાદી ભાવિનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે સિટી પીઆઈ મહેશ સંગાડા, તથા LCBએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. રાઘવ કોટન સ્પિનના માલિક હિતેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, ભાવિન માયાણી છેલ્લા ચાર વર્ષથી મારે ત્યાં મિલમાં નોકરી કરે છે. દરરોજના રોકડ તથા બેંકના વ્યવહારો સંભાળે છે. જ્યારે તે બેંકમાંથી રોકડા રૂપિયા લઈને આવી રહ્યો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ એમને રોકવા માટે પ્રયાસ કર્યો. પણ ભાવિને કોઈ રીતે બાઈક ન રોકતા એને ધક્કા મારીને પછાડી દીધો હતો. લૂંટ ચલાવી હતી. રોકડા રૂ.3 લાખ લૂંટીને શખ્સો નાસી ગયા છે. ધોળે દિવસે નાગડકા રોડ પર ત્રણ લાખ રોકડની લૂંટની સનસનીખેજ ઘટનામાં અનેક સવાલો ઉઠ્યા છે. આ વિસ્તાર અનેક લોકોથી ધમધમતો રહ્યો છે. લૂંટ ચલાવી ત્યારે બાઈક ચાલકની બૂમ કોઈ નહીં સાંભળી હોય? આમ આ લૂંટની ઘટના શંકાસ્પદ જોવા મળી રહી છે.