અમદાવાદ એરપોર્ટ જ્યારથી અદાણી ગ્રૂપને સોંપવામાં આવ્યું છે ત્યારથી અનેક વખત મિસ મેનેજમેન્ટની ફરિયાદ ઊઠી રહી છે. જેનો ભોગ અનેક વખત પ્રવાસીઓ પણ બન્યા છે. આ કારણોસર અમદાવાદ એરપોર્ટ સતત વિવાદમાં રહે છે. ન માત્ર હવાઈ યાત્રા કરતા પ્રવાસીઓ પણ એરલાઈન્સ કંપનીઓને પણ એક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મંગળવારે સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચેના સમયમાં કન્વેયર બેલ્ટ બંધ થઈ જતા 15 જેટલી ફ્લાઈટનો શેડ્યુલ ખોરવાયો હતો.
એરપોર્ટ પર આ સમયને પિક અવર્સ માનવામાં આવે છે. શેડ્યુલ ખોરવાઈ જવાને કારણે ફ્લાઈટ 30 મિનિટથી લઈને એક કલાક સુધી મોડી પડી હતી. અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ડિપાર્ચર બિલ્ડિંગમાં વધારાના ત્રણ એક્સ રે મશીન મૂકવાની વાત અદાણી મેનેજમેન્ટને આ પહેલા પણ કરવામાં આવી હતી. તેમ છતાં હજું સુધી આ અંગે કોઈ પગલાં ભરાયા નથી. છેલ્લા 15 દિવસથી કન્વેયર બેલ્ટ બંધ થઈ જવાની ઘટનાને કારણે પ્રવાસીઓની લાંબી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. વહેલી સવારથી લઈને 10 વાગ્યા સુધીમાં 15 જેટલી ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થાય છે. સામે એટલી જ ફ્લાઈટ લેન્ડ થાય છે. ડિપાર્ચર એરિયામાં ક્ષમતા કરતા વધારે સામાન એ બેલ્ટ પર મૂકવાને કારણે બેલ્ટની સ્પીડ ઘટી જાય છે. પછી તે બંધ પડી જાય છે.
તેથી ફ્લાઈટનો સમય થયો હોવા છતાં સામાન વગર પ્રવાસીઓ વિમાનમાં બેસી શકતા નથી. આ કારણે કુલ 15 જેટલી ફ્લાઈટના સામાન રખડી પડ્યા હતા. તેથી ડિપાર્ચર એરિયામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. ફ્લાઈટના શેડ્યુલને અસર થઈ હતી. પ્રવાસીઓએ અમદાવાદ એરપોર્ટ પર હોબાળો કર્યો હતો. તેમ છતાં અદાણી મેનેજમેન્ટ તરફથી કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નહીં. આવા મેનેજમેન્ટને કારણે પ્રવાસીઓ પરેશાન થયા હતા.
વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર ગો એર, સ્પાઈસજેટ, ઈન્ડિગો, એર ઈન્ડિયા, વિસ્તારની ફ્લાઈને અસર થઈ હતી. જ્યારે અમદાવાદથી ગોવા, દિલ્હી, મુંબઈ, બેંગ્લુરૂ, કોલકાતા, દેહારદૂન, નાસિક, હૈદરાબાદ જેવા શહેરની જુદી જુદી 15 ફ્લાઈટના શેડ્યુલ ખોરવાયા હતા. આ પહેલા ડિપાર્ચર એરિયામાં સિક્યુરિટી સેક્શનમાં લિફ્ટ બંધ પડી ગઈ હતી. એક તરફ દેશમાં વૈભવી કક્ષાના રેલવેના જંક્શનને એરપોર્ટ સ્તરના બનાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ એરપોર્ટ પર પાયાની જરૂરી સુવિધાઓમાં લોલમલોલ ચાલી રહી છે. ખાનગી કંપનીઓના હાથમાં સંચાલન દેવાતા સ્તર સુધરવાના બદલે જુદી જુદી સેવાઓમાં કથળી રહ્યું છે.