પાકિસ્તાન ક્રિકેટ ટીમે T20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ સેમિફાઈનલ સુધી પહોંચીને ટર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બાબર આઝમની ટીમને પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે પાકિસ્તાન ક્રિકેટ ટીમનું વર્લ્ડકપ જીતવાનું સપનું અધુરૂ રહી ગયું હતું. ટીમની હાર પછી પાકિસ્તાનના ફેન્સ પોતાની ભાવનાઓને કાબુમાં રાખી શક્યા ન હતા. દિલ તૂટી જાય એવી હાર હતી.

આ માટે હસન અલી પર હારનું ઠીકરૂ ફોડી દેવામાં આવ્યું હતું. એમના પરિવારને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. જોકે, પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટર્સે હસન અલીની તરફેણમાં નિવેદન આપેલા છે. એમને સપોર્ટ કર્યો છે. હવે હાર બાદ હસન અલીએ પોતાના ટ્વીટર પર લખ્યું હતું કે, હું જાણું છું કે, તમે સૌ અપસેટ છો. કારણ કે હું તમારી આશાઓ પર ખરો ઊતરી શક્યો નથી. પણ તમારા બધા કરતા હું વધારે નિરાશ છું. તેથી ફરીથી મહેનત કરવા માટે મચી પડ્યો છું. મારા પર લાગેલું લાંછન મને વધારે મજબુતી પ્રદાન કરશે. ફેન્સના મેસેજ, ટ્વીટ, પોસ્ટ, કોલ અને દુવાઓ માટે ધન્યવાદ. આની મને ખૂબ જ જરૂર હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અંતિમ બે ઓવરમાં જીતવા માટે જ્યારે 22 રન જરૂર હતી. એવામાં કેપ્ટન બાબર આઝમે અફરિદીને બોલિંગ આપી હતી. ઓવરના ત્રીજા બોલમાં મૈથ્યુ વેડે ફટકો માર્યો અને આઉટ કરવા માટેનો મોટો ચાન્સ હતો. પણ કેચ છૂટી જતા વેડને જીવનદાન મળ્યું હતું. એ પછી જે થયું એ ઈતિહાસ બની ગયો હતો. બાબરે આ હારનું ઠીકરૂ હસન અલી પર ફોડ્યું હતું. તેણે એવું પણ કહ્યું કે, કેચ છૂટવો એ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. મેચ થયો હોત તો પરિસ્થિતિ અલગ હોત. મેચ હારી ગયા બાદ પાકિસ્તાનની આશાઓ પર પાણી ફરી ગયું હતું.