મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના પુસ્તકપ્રેમીઓ અને વાચકોને તેમની પસંદગી તથા વાંચનની જરૂરિયાત મુજબ નવા પુસ્તકો સૂચવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વાચકોના સૂચનોના આધારે જાહેર પુસ્તકાલયોમાં નવા અને ઉપયોગી પુસ્તકોનો સમાવેશ કરવામાં આવશે.
વાચકો સાહિત્ય, નવલકથા, વાર્તા, કાવ્ય, જીવનચરિત્ર, ઇતિહાસ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બાળસાહિત્ય સહિત વિવિધ વિષયોના પુસ્તકોની ભલામણ કરી શકશે. વાચકો દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાનમાં રાખી જરૂરિયાત, ઉપયોગિતા અને ઉપલબ્ધ બજેટ મુજબ યોગ્ય પુસ્તકોની પસંદગી કરી ખરીદી કરવામાં આવશે.
પુસ્તકો સૂચવવા માટે વાચકોને બે વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પ્રથમ, વાચકો મોરબી મહાનગરપાલિકાના ERP પોર્ટલ પર લૉગિન કરીને પોતાની પસંદગીના પુસ્તકની વિગતો આપી શકશે. બીજો વિકલ્પ એ છે કે, વાચકો સીધા પુસ્તકાલયની મુલાકાત લઈને પણ પુસ્તકોની ભલામણ કરી શકે છે. મોરબીમાં શ્રીમદ રાજચંદ્ર લાઇબ્રેરી, શાક માર્કેટ પાસે આવેલી લાઇબ્રેરી, ગ્રીન ચોક લાઇબ્રેરી તેમજ સામાકાંઠે આવેલી કેસર બાગ લાઇબ્રેરી ખાતે વાચકો પોતાના સૂચનો આપી શકશે.
પુસ્તક સૂચવતી વખતે પુસ્તકનું નામ, લેખકનું નામ, પ્રકાશક અને ઉપલબ્ધ અન્ય વિગતો આપવાની વિનંતી કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ વધુમાં વધુ વાચકોને આ અભિયાનમાં જોડાઈ પોતાની પસંદગીના પુસ્તકો સૂચવવા અને જાહેર પુસ્તકાલયોને વધુ જ્ઞાનપ્રદ, સમૃદ્ધ અને લોકોપયોગી બનાવવામાં સહભાગી થવા અપીલ કરી છે.


