મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં નવનિર્મિત જિલ્લા પંચાયત ભવનમાં શુક્રવારના રોજ નિરામય ગુજરાત અભિયાનનો રાજય મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.દર શુક્રવારે યોજાનાર નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પમાં અલગ અલગ બીમારીનું ચેકઅપ અને નિદાન કરવામાં આવશે. નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત મોરબીમાં શુક્રવારે પ્રથમ નિશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં દદીઓના આરોગ્ય ચકાસણી કરવામાં મેગા હેલ્થ કેમ્પમાં લોહીનું ઓછું દબાણ, ડાયાબિટીસ,પુરુષમાં જોવા મળતા મોઢાના કેન્સર કે મહિલાઓમાં સ્તન,કે ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બિમારી, પાંડુરોગ, કેલ્શિયમની ઉણપ જેવા બિનચેપી રોગોનું નિષ્ણાત ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા નિદાન અને સારવારના દાવા કરવામાં આવી રહ્યા છે.
આ સિવાય વિનામુલ્યે દવા વિતરણ તેમજ આયુષ્માન કાર્ડ, હેલ્થ કાર્ડ કાઢવાની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ કરવાના,જનરલ ઓ.પી.ડી., કોરોના ટેસ્ટ, ઓલ બોડી ચેકઅપ, કાર્ડિઓલોજી, લેબોરેટરી તપાસ તેમજ અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવાના મસમોટા દાવા કરવામાં આવ્યા હતા. જોકે પ્રથમ તંત્રની કામગીરીમાં આયોજન અભાવ આખે ઉડીને વળગ્યો હતો.કેમ્પમાં બહોળા પ્રમાણમાં લોકો આયુષ્માન કાર્ડ કઢાવવા આવ્યા હતા. પણ સ્થળ પર જ ઈન્ટરનેટ કનેક્ટિવિટીના પ્રોબ્લેમ આવી જતા સર્વર ડાઉન થઈ ગયા હતા જેના કારણે લોકોને ધરમના ધક્કા થતા પ્રથમ ગ્રાહી મક્ષિકા જેવો ઘાટ ઘડાયો હતો.માત્ર બ્લડ સુગર ડાયાબીટીસ કેસામાન્ય બીમારીઓનું ચેક અપ કરશે.લોકોને તાલુકા પંચાયત કચેરીએ કાર્ડ કઢાવવા જવાનું જણાવાયું હતું. આમ, અણીના ટાંકણે સરકારી મશીનરી ઉપયોગમાં ન આવતા લોકો પરેશાન થયા હતા.
નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પમાં રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાં, ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા, જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ, ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરા સહિતના અધિકારી પદાધિકારીઓ હાજર રહ્યા હતા.