કોરોનાકાળ દરમિયાન સ્પેશિયલનું ટેગ લાગવાથી ટ્રેનના વધેલા ભાડાં સાથે અનેક લોકોનો આર્થિક બોજ વધી ગયો હતો. પણ હવે આ ક્ષેત્રમાંથી રાહતના વાવડ આવ્યા છે. દોડતી તમામ ટ્રેનો હવે જૂના નામ અને નંબર સાથે જ દોડશે. આવી રેલવે મંત્રાલયે મુસાફરોને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. મંત્રાલયે એવું કહ્યું છે કે કોરોનાકાળમાં સ્પેશિયલ ટ્રેનમાં બદલાયેલી તમામ ટ્રેનો હવે અગાઉની જેમ જ સામાન્ય રીતે સંચાલિત થશે. તેનાથી આ ટ્રેનોમાં વસૂલાતો સ્પેશિયલ ચાર્જ ઘટી જશે. જેનાથી ભાડાંમાં લગભગ 30 ટકા સુધી ઘટાડો થશે.
શુક્રવારની બેઠકમાં રેલવે મંત્રાલયે કોવિડ-19ના કેસો તળીયે પહોંચવાને કારણે પ્રી-કોવિડ (કોરોના અગાઉ) શિડ્યુલ અંતર્ગત ફરી ટ્રેન સંચાલન ચાલું કરવાનો નિર્ણય કર્યો છે. રેલવે બોર્ડે સ્પેશિયલ ટ્રેનો અગાઉની જેમ જ સામાન્ય રીતે સંચાલિત થવા અંગેનો પરિપત્ર પણ જાહેર કરી દીધો છે. આ પરિપત્ર શુક્રવારે મોડી રાત્રે જારી કરવામાં આવ્યો. જે હવે જુદા જુદા ઝોન સુધી પહોંચ્યો છે. આ પરિપત્ર અનુસાર, નવા દિશા-નિર્દેશો સાથે તમામ ટ્રેનો હવે સામાન્ય ભાડાં સાથે જ સંચાલિત કરવામાં આવશે. એક રેલવે અધિકારીના અનુસાર, આવી ટ્રેનોની બીજી શ્રેણી કોઈપણ છૂટ સિવાય રિઝર્વ્ડ તરીકે ચાલતી રહેશે. આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરનારા મુસાફરોને હજુ પણ 30 ટકા વધારા સાથેનું ભાડું ચૂકવવાનું રહેશે.
કેન્દ્ર સરકારે ગત વર્ષે કોરોનાના કેસ વધતાં માર્ચમાં લોકડાઉન ઘોષિત કર્યુ હતું. આ અગાઉ જ ટ્રેનોનું સંચાલન રોકી દેવાયું હતું. તેની અસર લગભગ 1700 એક્સપ્રેસ ટ્રેન પર પડી હતી. ત્યાર પછી રેલવેએ ધીમે-ધીમે ટ્રેન સંચાલન શરૂ કર્યુ હતું. પરંતુ તમામ ટ્રેન સંપૂર્ણ રિઝર્વ્ડની સાથે સ્પેશિયલના ટેગ સાથે દોડતી હતી. આ ટ્રેનમાં લગભગ 30 ટકા વધારાનું ભાડું લેવામાં આવતું હતું, જેનો બોજ સામાન્ય મુસાફરોનાં ખિસ્સા પર પડી રહ્યો હતો.
હવે આટલા પરિવર્તન કરવામાં આવી રહ્યાં છે. પરંતુ કોરોના પ્રોટોકલનું પાલન ચાલું રહેશે. દરેક નિયમને કડકાઇપૂર્વક પાલન કરવા જરૂરી છે અને નિયમ તોડવા પર એક્શન પણ લેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, 25 માર્ચ 2020માં ટ્રેન સર્વિસને અસ્થાયી રીતે રોકી દેવામાં આવી હતી. 166 વર્ષમાં એવું પ્રથમ વખત થયું હતું કે, જ્યારે ટ્રેનનું પરિચાલન બંધ થઈ ગયું હોય.