મોરબીમાં નવા વર્ષના શરુઆતમાં જીએસટીએ પોતાની બોણી શરુ કરી દીધી છે તાજેતરમાં રાજકોટ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસના હેડકવાર્ટર દ્વારા મોરબીમાં વોલ ટાઈલ્સના સીરામિક યુનિટમાં ત્રાટકી હતી અને રૂ 25 લાખ જેટલી માતબર રકમની ચોરી ઝડપી લઇ તેની રીકવરી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ હેડ ક્વાર્ટર પ્રિવેન્ટીવની ટીમ દ્વારા મોરબીના જેતપર રોડ પર આવેલ સીરીયમ સિરામિક ટાઈલ્સમાં ચોક્કસ બાતમીના આધારે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી અને ડોક્યુમેન્ટ ચકાસણી હાથ ધરતા રૂ 25 લાખની ચોરી સામે આવી હતી.આ યુનિટના સંચાલકો દ્વારા ઈ વે બીલ જનરેટ કર્યા વિના ઉત્પાદિત ટાઈલ્સનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.જીએસટીની ટીમને અન્ય કેટલીક ફેકટરીમાં પણ આ પ્રકારની જીએસટી ચોરી થતા હોવાની વિગત પણ સામે આવી છે. જેથી અન્ય ફેક્ટરીમાં પણ જીએસટીની ટીમ ફરી ધામા નાખશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સિવાય જીએસટીની ટીમે દેવ ભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં પણ ધામા નાખ્યા છે .દિવાળીના વેકેશન બાદ સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીની ટીમે હાલાર પંથકમાં દરોડાની કામગીરી હાથ ધરી હતી. સેન્ટ્રલ જીએસટીની ટીમે જામનગરમાં આવેલી બ્રાસ પેઢીમાં દરોડાની કામગીરી કરી હતી. તેમજ સ્ટેટ જીએસટીની ટીમે દ્વારકામાં આવેલી 9 હોટલો ઉપર તવાઈ બોલાવી હતી. બે દિવસથી ચાલતી આ કામગીરીમાં આજે 8 હોટલમાંથી 26 લાખની કરચોરી ઝડપી હતી.