લદાખ અને અરુણાચલ પ્રદેશ બાદ હવે ચીનની નજર હિમાચલ પ્રદેશ પર કેન્દ્રીત થઈ છે. હિમાચલ પ્રદેશની બોર્ડર નજીક ચીને ગતિવિધિ કરી હોવાનો મોટો ખુલાસો થયો છે. હિમાચલના કિનોર, લાહોલ અને સ્પિતી સાથે જોડાયેલી LAC ના 240 કિમી લાંબા વિસ્તારમાં ચીન રસ્તો, પુલ અને એક હેલિપેડ તૈયાર કરવાની યોજના બનાવી રહ્યો છે.
આ વિસ્તારમાં સૈન્ય સંખ્યા પણ વધારી રહ્યો છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરે પોતાના એક રિપોર્ટમાં ચીનની આવી ગતિવિધિનો ઉલ્લેખ કર્યો છે. 9 તબક્કામાં ચીની સૈન્ય નું બાંધકામ અને માળખાગત સુવિધા માટે ભરાયેલા પગલાંની ચોખવટ કરી છે. હિમાચલ પ્રદેશના પોલીસ ઉચ્ચ અધિકારી સંજય કુંડુ એ કહ્યું છે કે, ચીને છેલ્લા એક વર્ષમાં સૈન્ય સંખ્યા ખૂબ વધારી દીધી છે. આ સિવાય અનેક સ્થળ પર શંકાસ્પદ પ્રવૃત્તિ શરૂ કરી છે. પારેચું નદીના ઉત્તર કિનારે ચૂરૂપ વિસ્તારમાં હાલ એ રસ્તો બનાવી રહ્યા છે.
શકોટ, ચુરૂપ અને ડનમુર જે સરહદી વિસ્તારમાં આવેલા ગામ છે ત્યાં નવી ઇમારત બની રહી છે. સ્પીતી ગામના પહાડો પર ચીનના કેટલાક નિશાન મળી આવ્યા છે. ભારતીય સરહદ ના 1 કિમીના વિસ્તારમાંથી ચીનના પીણાં મળ્યા છે. ગત વર્ષ 8 ચીની સૈનિકોએ હિમાચલ માંથી ઘૂસણખોરી કરવા પ્લાન કર્યો હતો. જેને પોલીસે પારખી સૈન્યને જાણ કરી છે.