છેલ્લા ચાર દિવસથી ડ્રગ્સ મામલે ગુજરાતમાંથી મોટા વાવડ સામે આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સની તસ્કરી સામે આવ્યા બાદ જામનગર પાસે આવેલા સલાયામાંથી વધુ મોટો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે. આ ઘટનાના બીજા જ દિવસે મહાનગર સુરતમાં એક આખી લેબ ઝડપાઈ છે. મહાનગર સુરતના સરથાણા વિસ્તારમાંથી ડ્રગ્સ બનાવતી એક ડ્રગ લેબોરેટરી ઝડપાઈ છે. જૈમીન સવાણી નામનો વ્યક્તિ ડ્રગ્સ બનાવતો હોવાની ચોક્કસ બાતમી સુરત SOGને મળી હતી. સુરત SOGએ આ આખી લેબ પકડી પાડી છે.
આ માટે આરોપી જૈમિન સવાણીએ એક આખું સેટઅપ લેબમાં ગોઠવ્યું હતું. રાજસ્થાન ડ્રગ્સ મામલે પણ જૈમિનનું નામ ખુલ્યું હતું. કેમિકલ પાઉડર, કેમિકલ લિક્વીડ એમ થઈને એની પાસેથી કુલ 22 કિલોથી વધુ ડ્રગ્સ બનાવવાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં ડ્રગ્સનો વેપલો સતત વધી રહ્યો છે. આ પહેલા પણ મુંદ્રામાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. બુધવારે સવારે દ્વારકામાં શરૂ થયેલું સર્ચ ઓપરેશન મોડી રાતે પૂરુ થયું હતું. ડ્રગ્સનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. સલાયાથી સલીમ અને અલી કારાના ઘરેથી વધુ 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીને મળેલ બાતમીના આધારે ખંભાળીયા નજીક આરાધના ધામ પાસે દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG અને LCB ની સંયુક્ત ઓપરેશન હેઠળ હેરોઇન અને ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે.
એક વ્યક્તિની 17 કિલોથી વધુ ડ્રગ્સની સાથે અટકાયત કરી વધુ તપાસ કરતા સલાયાના બે શખ્સો પાસેથી વધુ 45 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી બંને આરોપીની અટકાયત કરી હતી. જ્યારે કુલ 3 આરોપી પાસેથી 64 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.