એપ્રિલ મે મહિનામાંમોરબી જીલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો એક તરફ લોકો હોસ્પીટલમાં બેડ અને ઓક્સીજન સીલીન્ડર માટે દોટ મુકતા હતા.બીજી તરફ રેમડેસીવીર ઇન્જ્કેશન માટે લાંબી લાઈન હતી આ સિવાય એમ્બ્યુલન્સના સાયરન અને અંતિમયાત્રાની બસના અવાજ દિવસભર ગુંજતા હતા.કોરોનાની બીજી લ્હેર ઓસરી ગયા બાદ મોરબીવાસીઓ ધીમે ધીમે સમગ્ર દ્રશ્ય ભૂલી ગયા હતા.બજારમાં બિનજરૂરી ટોળા અને માસ્કની સાવધાની રાખવાનું ચુકી ગયા .આ સિવાય તહેવાર દરમિયાન લોકો અન્ય શહેરમાં ફરવા નીકળ્યા હતા જેના કારણે ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે.

દિવાળી બાદ ફરી એકવાર કોરોનાએ દેખા દીધા છે. મોરબી શહેરમાં તા. 9 નવેમ્બરથી સતત ત્રણ દિવસથી કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. મોરબીમાં ગત 9 નવેમ્બરના રોજ રવાપર ગામમાં 42 વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો આં યુવાન દક્ષિણ ગુજરાત ફરવા ગયા હતા.તો બીજા દિવસે એટલે કે 10 મી નવેમ્બરના રોજ 40 વર્ષની એક મહિલાનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. આજે વધુ એક વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો આ પુરુષ ગઈકાલે કોરોના પોઝીટીવ આવેલ મહિલાના પતિ છે અને તે પણ મુંબઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા 24 કલાક રાજ્યમાં કોરોના 42 કેસ નોધાયા છે જેમાં અમદાવાદમાં 16,સુરતમાં 5,વડોદરા 4 અને રાજકોટ 2 મોરબીમાં 1 કેસ સામે આવ્યા છે બીજી તરફ 36 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.