સુરેન્દ્રનગરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુનાખોરીના ગ્રાફમાં એન્કાઉન્ટરના કેસ બાદ એકાએક વધારો થયો છે. સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલા શિવમ પાર્કના નાકે પોલીસ કર્મચારી પર હુમલો થયો છે. આ ઘટનાને લઈને સમગ્ર સુરેન્દ્રનગરમાં ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સરદારસિંહ પર હુમલો થયો છે.
સુરેન્દ્રનગરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ હેતુંથી B ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વૉચ સાથે પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. એ સમયે પોલીસ સ્ટેશનના ASI સરદારસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા. ત્યારે હુમલો થયો હતો. 80 ફૂટ રોડ પરથી નવી SP સ્કૂલ તરફ જવાના રસ્તે શિવમ પાર્ક પાસે 15થી 20 શખ્સો હાથમાં લાકડી, ધોકા, પાઈપ તથા ફરશી જેવા હથિયાર સાથે ઊભા હતા. અમારા વિસ્તારમાં કેમ આવ્યો છે અને તું પોલીસ હોય તો શું થયું એવું કહીને 15થી 20 શખ્સો સરદારસિંહ પર તૂટી પડ્યા હતા. હુમલો થતા સરદારસિંહ પોતાની ગાડીમાંથી બહાર નીકળી ગયા હતા. હુમલો થવાને કારણે સરદારસિંહને ગંભીર ઈજા થઈ છે. તેથી સી.યુ.શાહ હોસ્પિટલમાં સારવાર હતું ખસેડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામે પોલીસ પર થયેલા હુમલાનો બનાવ તાજો જ છે ત્યા વધુ એક કેસ થયો છે. જેના કારણે સમગ્ર પોલીસ લોબીમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાના પડઘા ઉચ્ચ પોલીસ અધિકારીઓની કચેરી સુધી પડ્યા છે. શહેરમાં આ બીજો પોલીસ પર હુમલાનો બનાવ છે. જેને લઈને Dysp એચ.પી.દોશી સહિતનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. હોસ્પિટલમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.

તા.8 નવેમ્બરના રોજ રાત્રીના 10 વાગ્યે આ ઘટના બની હતી. મહાલક્ષ્મી ટોકિઝમાં નીતેશ ખાંભલા નામનો વ્યક્તિ ફિલ્મ જોવા આવ્યો હતો. સીટ મામલે માથાકુટ કરી અન્ય લોકોને ટોકિઝ પર બોલાવ્યા હતા. પછી મારામારી કરી પેન્ડલ અને રોકડ સહિત રૂ. 58000ની અંદાજે 8 જેટલા શખ્સોએ લૂંટ કરી હતી. જેના પગલે સિટી B ડિવિઝન તરફથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેથી સરદારસિંહ ડ્યૂટી પર હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારીની કારને પણ નુકસાન થયું છે. ફરજમાં રૂકાવટ, ગાડીને નુકસાન તેમજ જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ શખ્સોની તપાસ શરૂ કરી દીધી છે. પેટ્રોલિંગમાં હતા ત્યારે એમની પર આ હુમલો કરાયો છે. પોલીસે કુલ મળીને 20 લોકો સામે કાયદેસરની ફરિયાદ કરી છે.