રાજકોટ – અમદાવાદ હાઈવે પર બામણબોર બાયપાસ પાસે બંસલ પેટ્રોલ પંપની સામે જેસીબીએ એસટી બસને હડફેટે લેતા બસ પલટી મારી ગઈ હતી. જેમાં 6 મુસાફરોને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ બસ ઝાલોદથી રાજકોટ આવતી હતી. જેનો અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સદનસીબે તમામને સામાન્ય ઇજા હોવાનું જાણવા મળે છે. બસના ડ્રાઈવર વજેસિંગના જણાવ્યા મુજબ સોમવારે સાંજે ઝાલોદથી આવેલી બસમાં કુલ 45 પેસેન્જર બેઠા હતા.
ચોટીલા બસ પહોંચી ત્યારે બસમાં ફોલ્ટ સર્જાતા મુસાફરોને પરેશાની ન રહે તે માટે ચોટીલા ડેપો ખાતેથી જીજે – 18 – ઝેડ – 0372 નંબરની બસ ફાળવાઈ હતી, જેમાં 45 પેસેન્જરને બેસાડી રાજકોટ માટે બસ રવાના થઈ હતી. તે સમયે હાઈવે પર બામણબોર બાયપાસ પાસે પેટ્રોલ પંપ તરફથી એક જેસીબી રોડ ક્રોસ કરતું હોય તેણે બસને હડફેટે લેતા બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. આ તરફ પોલીસને જાણ થતાં પીઆઇ જી.એમ. હડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે તુરંત પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. આ તરફ અન્ય બે જેસીબીની મદદથી પલ્ટી મારી ગયેલી બસને સીધી કરાઈ હતી.
ઘાયલ મુસાફરોની યાદી
મનિષાબેન ભાવેશભાઇ ગંગાજરીયા (રહે. મવડી ચોક, ક્રિષ્ના પાર્ક),
વીણાબેન દિલીપભાઇ પરમાર (રહે. રેલનગર),
વસંતબેન નાગજીભાઇ રાઠોડ,
હંસાબેન નથુભાઇ કોટડીયા (રહે. રેલનગર),
સંદિપ વસંતભાઇ રાઠોડ (રહે. કોઠારીયા)
એક પ0 વર્ષના પુરૂષને ઇજા પહોંચી હતી.