ગુજરાતીઓના ફેવરિટ સ્થળ માનતા માઉન્ટ આબુમાં ગુજરાતીઓ ઉમટી પડ્યા છે. તમામ હોટેલ પેક છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન કોરોનાને લીધે માનસિક તણાવમાં રહેલા ગુજરાતીઓ મોજથી આબુમાં દિવાળીના તહેવારોનું સેલિબ્રેશન કરી રહ્યા છે. ગુજરાતીઓના ફેવરિટ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ ગુજરાતના પ્રવાસીઓથી ભરાઈ રહ્યું છે. એટલું જ નહીં, માઉન્ટ આબુ પાલિકા દ્વારા 5 દિવસનો ખાસ દિવાળી ફેસ્ટિવલ આબુમાં યોજવામાં આવ્યો છે, જેમાં ગુજરાતીઓ ગરબા કરી રહ્યા છે.

આ વખતે દિવાળીના 15 દિવસ અગાઉથી આબુમાં રૂમ બુક કરી દેવાયા છે. આથી મોટા ભાગની હોટલોમાં નવા પ્રવાસીઓ માટે કોઈ જગ્યા નથી. હાઉસફુલનાં બોર્ડ લાગી જતાં હોટલ-સંચાલકો પણ હવે લાભ પાંચમ પછીનું બુકિંગ લઈ રહ્યા હોવાના વાવડ છે. આબુના 200થી વધુ હોટલ-રિસોર્ટમાં બુકિંગ અત્યારે બંધ કરી દેવામાં આવ્યાં છે. એવું પ્રવાસીઓ કહે છે.

રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં 200થી વધુ હોટલ-રિસોર્ટ છે મોટા ભાગની હોટલનાં બુકિંગ થઇ ગયાં છે. આમ ગેસ્ટહાઉસથી લઇ હાઇકલાસ હોટલ રૂ.2 હજારથી 25 હજાર સુધીનું ભાડું લોકો એ આપી બુકિંગ કરાવ્યા છે. દિવાળીના તહેવારો પહેલા આબુના જે રૂમનો ચાર્જ રૂપિયા બેથી ત્રણ હજાર હતો. ભાઇબીજથી લાભ પાંચમ સુધીમાં રૂ.5 હજારથી રૂ. 10 હજાર કરતાં પણ વધારે વસૂલ કરાઈ રહ્યા છે. બીજી તરફ દરેક ફરવાની જગ્યા એ આબુમાં ગુજરાતી પરિવાર જોવા મળી રહ્યો છે. ખાસ તો ગુરુ શિખર અને સનસેટ પોઇન્ટ પર જાણે મીની ગુજરાત ઉભુ થયુ હોય એવા ચિત્ર જોવા મળ્યા છે.