ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગકોચ વિક્રમ રાઠોડે ફરીથી કોચ પદ માટે અરજી કરી છે. રાઠોડનું એવું માનવું છે કે, ટીમ ઈન્ડિયા માટે હજું ઘણું કામ કરવાનું બાકી છે. હાલમાં સાથી સ્ટાફ ટીમમાં રાઠોડ એકલા છે. જે ફરીથી કોચ પદ પર આવવા માગે છે. મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ અરૂણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે પણ ફરીથી અરજીઓ કરી છે. રાઠોડે ભારતીય ક્રિકેટ ટીમ માટે છ ટેસ્ટ અને સાત વન ડે મેચ રમી છે. ટેસ્ટમાં 131 અને વન ડેમાં 193 રન કર્યા છે. ફર્સ્ટ ક્લાસ મેચમાં 11473 રન કર્યા છે.
જોકે, રાહુલ દ્રવિડ પણ ટીમ ઈન્ડિયાના કોચ બની શકે છે. કોચ પદ માટે તેમણે પણ આવેદન આપ્યું છે. હાલના કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ આ વર્લ્ડકપ બાદ ખતમ થઈ રહ્યો છે. હવે એવામાં દ્રવિડને કોચ તરીકેની જવાબદારી સોંપાઈ શકે છે. હાલમાં દ્રવિડ બેંગ્લુરૂમાં NCAમાં મુખ્ય રૂપમાં કામ કરી રહ્યા છે. ઘણા જુનિયર ખેલાડીઓને તૈયાર કરવામાં એમનો સિંહફાળો રહ્યો છે. આ સિવાય અજય રાત્રાએ પણ ટીમ ઈન્ડિયાના કોચ તરીકે અરજી કરી છે. તેઓ ફિલ્ડિંગ કોચ તરીકે ટીમ ઈન્ડિયા સાથે જોડાવવા માગે છે. રાત્રાએ છ ટેસ્ટ અને 12 વન ડે મેચ રમી છે. આ સિવાય ફર્સ્ટ ક્લાસ મેચમાં પણ 99 મેચ રમ્યા છે. હાલમાં તેઓ અસમના મુખ્ય કોચ છે. દિલ્હી કેપિટલ્સ સાથે પણ એક કોચ તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત પહેલી ભારતીય મહિલા ટીમ સાથે પણ જોડાયેલા છે. આ સિવાય તેઓ એનસીએ સાથે પણ કામ કરી ચૂક્યા છે.
રાઠોડે અફઘાનિસ્તાનની ટીમ સામે T20વર્લ્ડ કપ મેચ પહેલા એવું કહ્યું કે, મેં બેટિંગ કોચ માટે અરજી કરી છે. તક મળશે તો હજું ઘણું કામ ટીમ ઈન્ડિયા માટે કરવાનું છે. વર્ષ 2019માં સંજય બાંગરની જગ્યાએ તેઓ બેટિંગ કોચ બન્યા હતા. એનો કાર્યકાળ T20 વર્લ્ડકપ 2021 સુધીનો જ રહ્યો હતો. જ્યારે તેઓ બેટિંગકોચ તરીકે હતા ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝમાં ઐતિહાસિક જીત મેળવી હતી. ઈંગ્લેન્ડને એમની જ પીચ પર માત આપી હતી. તેમણે એવું કહ્યું કે, વિરાટ કોહલી અને તેની ટીમ સાથે કામ કરવાનો આનંદ છે. ઘણો સારો અનુભવ રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે, મને એવું લાગે છે કે, આ પત્રકાર પરિષદ વર્લ્ડકપ માટે છે. પણ એ પ્રશ્નનો જવાબ આપીશ. ભારતીય ટીમ સાથેનો અનુભવ શાનદાર રહ્યો છે. આટલા પ્રભાવશાળી ખેલાડીઓ સાથે રમવાની મજા આવી છે.