જ્યારથી ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર બની છે ત્યારથી એટલે કે વર્ષ 2017થી અયોધ્યામાં રામ કી પૌડી પર અનોખી રીતે દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. સૌથી પહેલા આશરે 180000 દીવાઓથી ઝગમગાટ કરવામાં આવ્યો હતો. આ જ રીતે વર્ષ 2018માં 301158, પછી વર્ષ 2019માં 550000 અને પછી વર્ષ 2020માં 551000 દીવા મૂકીને સેલિબ્રેશન કરાયું હતું. આ વર્ષે 2021માં યોગી સરકારનો સત્તા પર અંતિમ કાળ છે. આ વર્ષે અયોધ્યામાં અગાઉના તમામ રેકોર્ડ તૂટે એવી પૂરી શક્યતા છે.

આ વર્ષે રામ કી પૌડી પર આશરે 9 લાખ દીવાઓ કરીને દિવાળીનું સેલિબ્રેશન કરવાનું પ્લાનિંગ છે. આ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન આપવામાં આવશે આ માટે એક ટીમ પણ ગણતરી કરી રહી છે. દિવાળી નિમિતે અયોધ્યામાં ત્રણ લાખ દીવાઓ કરીને દિવાળી મનાવવાનું પ્લાનિંગ છે. આ રીતે કુલ મળીને 12 લાખ દીવાઓ પ્રજ્વલીત થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દરેક મઠ મંદિર માટે ભોગ પ્રસાદ અને દીવાઓ મોકલ્યા છે. દરેક મઠ મંદિરમાં આ દીવાઓ કરવામાં આવશે. આ ઉપરાંત ભગવાનને ભોગ પ્રસાદ પણ ધરવામાં આવશે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે આવેલી ટીમે દીવાઓની ગણતરી પણ શરૂ કરી દીધી છે. બુધવારે એક ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન છે. સવારે 10 વાગ્યે પ્રભુ રામની એક શોભાયાત્રા નીકળશે. જે સાકેત મહાવિદ્યાલયથી શરૂ થઈને રામકથા પાર્ક સુધી જશે. જેમાં કેન્દ્રીય મંત્રીથી લઈને રાજ્યપાલ તથા મુખ્યમંત્રી પણ જોડાશે. હેલિકોપ્ટરમાંથી રામ અને સીતાનું આગમન થશે.ભરત મિલાપ અને રામાયણ પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરાશે.

અયોધ્યામાં તમામ પૌરાણિક સ્થાન, 14 કોંસી પરિક્રમા સ્થાન, પ્રાચિન મંદિર, કુંડ, જનપદ મખોડા ધામ સહિત 84 કોંસની પરિક્રમમાં પણ અનેક સ્થાને દીવા મૂકાશે. મખૌડા ધામ એ જગ્યા છે જ્યાં દશરથે પુત્રપ્રાપ્તિ માટે એક હવન કર્યો હતો. એ પછી પાંચ ભાઈઓનો જન્મ થયો હતો.

આ દીપોત્સવમાં 15 મહાવિદ્યાલય, 5 કૉલેજ, અલગ અલગ યુનિવર્સિટી તથા સ્કૂલના વિદ્યાર્થીઓ હોંશભેર ભાગ લઈ રહ્યા છે. આશરે 12000 કાર્યકર્તાઓ દિવાળી ડેકોરેશનમાં ભાગ લઈ રહ્યા છે.